ખેડૂત આંદોલનની અસર: ૩૦૦ કરોડનું ધંધામાં નુક્સાન, કાપડ બજાર થંભી ગયું

નવીદિલ્હી,ખેડૂતોના આંદોલનની અસર વેપાર-ધંધા પર પણ જોવા મળી રહી છે. દેશના વેપારીઓના સંગઠન કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સના આંકડા મુજબ ખેડૂતોના પ્રદર્શનને કારણે વેપારને અસર થઈ રહી છે. ખેડૂતોના આંદોલનને કારણે એકલી દિલ્હીમાં અત્યાર સુધીમાં ૩૦૦ કરોડ રૂપિયાના વેપારનું નુક્સાન થઈ રહ્યું છે. અંબાલા શહેરનું કાપડ બજાર ઠપ્પ થઈ ગયું છે.

દરરોજ અન્ય રાજ્યોમાંથી લગભગ ૫ લાખ વેપારીઓ નજીકના રાજ્યોમાંથી ખરીદી માટે દિલ્હી આવે છે. ખેડૂતોના આંદોલનને કારણે આ વેપારીઓએ દિલ્હી આવવું બંધ કરી દીધું છે. રોડ બ્લોક વિસ્તારોની નજીક આવેલી દુકાનોને ધંધાનું મોટું નુક્સાન થઈ રહ્યું છે, કારણ કે હાઈવે બ્લોક માત્ર ગ્રાહકોને જ નહીં પરંતુ લોજિસ્ટિક કામગીરીને પણ અસર કરે છે. આ આંદોલનનો બોજ હવે મોંઘવારીના રૂપમાં સામાન્ય જનતા પર પડવાનો છે.ટ્રકોની અવરજવરને અસર થવાને કારણે માંગ-પુરવઠાના તફાવતની રમત શરૂ થાય છે. જેના કારણે રોજબરોજની વસ્તુઓ સામાન્ય લોકો સુધી સરળતાથી પહોંચી શક્તી નથી. જો તેઓ પહોંચે તો પણ તેમના ભાવ આસમાને ગયા છે. લસણ અને ડુંગળી જેવી રોજીંદી વપરાતી ચીજવસ્તુઓ બજારમાં મોંઘી થઈ ગઈ છે, જો આંદોલન બંધ નહીં થાય તો આગામી દિવસોમાં મોંઘવારીનો બોજ વધુ વધી શકે છે.

દિલ્હી, નોઈડા, ગ્રેટર નોઈડા ઉપરાંત અંબાલાના કાપડ બજારમાં પણ આ આંદોલનની અસર જોવા મળી રહી છે.ગેરંટી એક્ટને લઈને તેમની માંગ પર અડગ રહેલા ખેડૂતો અંબાલાના શંભુ ટોલ પ્લાઝા પર પણ વિરોધ કરી રહ્યા છે. જેના કારણે અહીંનું કાપડ બજાર ઠપ્પ થઈ ગયું છે. કાપડ માર્કેટ સુધી પહોંચતો ટોલ સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યો છે. તેથી, આવવા જવાનું સંપૂર્ણ બંધ થવાથી, વેપારીઓએ તેમની દુકાનો બંધ કરવી પડી છે. ખેડૂતો એમએસપી ગેરંટી એક્ટને લઈને તેમની માંગ પર અડગ છે. જો સરકાર આ માંગણીઓ સ્વીકારે છે તો સરકારી તિજોરી પર ૧૦ લાખ કરોડ રૂપિયાનો બોજ પડી શકે છે. આંકડાઓ અનુસાર, વર્ષ ૨૦૨૦ માટે કુલ સ્જીઁ ખરીદી ૨.૫ લાખ કરોડ રૂપિયા છે. જે કુલ કૃષિ પેદાશના લગભગ ૨૫ ટકા જેટલું છે.

આવી સ્થિતિમાં જો સરકાર ગેરંટી કાયદો લાવે છે તો સરકારી તિજોરી પર મોટો બોજ પડશે. આ સમગ્ર સમસ્યાને સમજવા માટે પહેલા એ સમજવું જરૂરી છે કે સરકાર દરેક પાક પર સ્જીઁ નથી આપતી. સરકાર દ્વારા ૨૪ પાક પર એમએસપી પણ નક્કી કરવામાં આવી છે.