નવીદિલ્હી,સરકાર દ્વારા વધુ કૃષિ પાકોને ટેકાના ભાવ આપવાની ઓફર નકારાયા બાદ હવે આવતીકાલથી ખેડુત આંદોલનકારીઓ અનેક ઉગ્ર કાર્યક્રમ આપવાની જાહેરાત કરી છે અને આવતીકાલે હજારો ખેડુતો હરિયાણા, પંજાબની શંભુ બોર્ડરથી દિલ્હી કૂચનો પ્રારંભ કરશે. અહીં દાતાસિહવાલા બોર્ડર પર હરિયાણા અને પંજાબથી આવેલા ખેડુતોની સંખ્યા સતત વધી રહી છે
સૌથી મહત્વનું એ છે કે પ્રથમ વખત મહિલા ખેડુતોએ મોરચો સંભાળ્યો છે. તથા તેઓ નાના બાળકો સાથે બોર્ડર પહોંચી રહ્યા છે. ટ્રેકટરની ટ્રોલીઓમાં હજારો ખેડુતો લાંબા પડાવની તૈયારી સાથે સરહદ પર આવી રહ્યા છે તેઓએ હાઇવે પરના વિજ કનેકશનોમાં લંગર નાખીને વિજળી મેળવવાનું શરૂ કરી દીધુ છે તો અનેક સ્થળોએ મોબાઇલ ચાર્જર ઉપરાંત કામચલાઉ રસોડાના કેમ્પ પણ ઉભા કરી દેવામાં આવ્યા છે.
ખેડુત નેતા જલબેડાએ કહ્યું કે અમે તા. ૨૧થી દિલ્હી કૂચનો પ્રારંભ કરીશું, શાંતિપૂર્ણ દિલ્હીમાં પ્રવેશ કરવા માંગીએ છીએ. સરકાર લાઠીચાર્જ અને ટીયરગેસનો ઉપયોગ કરે તો પણ ખેડુતો કોઇ વળતો જવાબ આપશે નહીં તેઓએ સરકારના પ્રસ્તાવને મજાક ગણાવતા કહ્યું કે અમારી પાસે માહિતી છે અને રેકોર્ડ પણ છે જેમાં ખેડુતોને ધાન્ય છોડીને અન્ય પાકો ઉગાડવા માટે કહેવાય છે હરિયાણામાં કદાચ શકય બને તો અન્ય રાજયોમાં તે શકય બનશે નહીં અમે ટેકાના ભાવ ગેરેંટી સિવાય કશુ માંગતા નથી. દિલ્હીમાં ખેડુતોની કૂચના કારણે ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.