ખેત પેદાશોમાં વધુ પડતા રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાના ઉપયોગના કારણે ગુજરાત સહિત સમગ્ર વિશ્ર્વમાં પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય ઉપર ગંભીર અસરો જોવા મળી છે. વિશ્ર્વ સામે જળ-વાયુ પરિવર્તનની મોટી સમસ્યા પેદા થઈ છે. પર્યાવરણ પર વિપરીત પરિસ્થિતિને કારણે જીવસૃષ્ટિ પર તેના ખરાબ પરિણામો જોવા મળ્યા છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની સીધી દેખરેખ અને માર્ગદર્શનમાં પ્રાકૃતિક કૃષિને જન આંદોલન બનાવવા સમગ્ર ગુજરાતના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતા થયા છે. પ્રાકૃતિક કૃષિમાં દેશી ગાય, તેનું છાણ, ગૌમુત્ર અને અળસિયા પાયાની બાબતો છે.
પ્રાકૃતિક કૃષિમાં જમીનની માવજત ખૂબ જ અગત્યની બાબત છે. જમીન જેટલી સારી અને સ્વસ્થ એટલું જ પાક ઉત્પાદન સારૂં થાય. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તેમની પ્રાકૃતિક કૃષિ પુસ્તકમાં અળસિયાને મિત્ર કિટક કહ્યા છે. કારણ કે ખેતીમાં અળસિયા ખેડૂતને એક મિત્રની માફક વધુ અને આરોગ્યપ્રદ ઉત્પાદન મેળવવામાં મદદરૂપ થાય છે.
એક જમાનામાં વરસાદ આવતો કે તરત જ જમીનના પોલાણમાંથી કોઈ ડોકીયા કરતું બહાર આવતું, તે અળસિયા હતા. બાળપણમાં પાણીમાં અળસિયા સાથે રમવાની મજા જ કઈંક અલગ હતી. આજે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના બેફામ ઉપયોગથી અળસિયા જમીનની 20 ફુટ નીચે ઉતરી ગયા છે. ગાયનું છાણ અળસિયાની જીવાદોરી છે. ડો. સુભાષ પાલેકરે સંશોધન કર્યુ છે કે એક એકર જમીનમાં અંદાજીત 7 લાખ અળસિયા કામ કરે છે.
અળસિયા જમીનમાં સતત કાર્યશીલ રહીને જમીનને છિદ્રાળુ કરે છે. જેનાથી જમીનમાં ઓક્સિજનની માત્રા વધે છે તથા વરસાદનું પાણી સરળતાથી જમીનની અંદર ઉતરીને જળસ્તર ઉંચુ લાવે છે. અળસિયા જમીનમાં પાણીના ભરાવાને અટકાવે છે. અળસિયાને પોતાનો ખોરાક શોધવાનો હોવાથી તેમજ પ્રજનન માટે જમીનમાં સતત હલનચલન કરતા જ રહે છે.
એક અળસિયુ દિવસમાં 8 થી 10 વખત જમીનની ઉપર આવે છે. આમ દિવસ દરમિયાન જમીનમાં 16થી 20 કાણા પડે છે. જેથી જમીનનું ઉપરનું પડ કુદરતી રીતે ખેડાઇને છિદ્રાળુ બને છે. પરિણામે જમીનમાં હવાની અવરજવર વધે છે. જેથી જમીનની ભેજધારણ કરવાની શક્તિ વધે છે. કારણ કે સેન્દ્રિય પ્રદાર્થ બધી માટીમાં સરખા પ્રમાણમાં ભળી જાય છે.
દેશી અળસિયા દેશી ગાયના છાણ અને ગૌમૂત્રમાં અસાધારણ વૃધ્ધિ કરે છે. દેશી ગાયના છાણ અને ગૌમૂત્રમાં એવા ગુણો અને સુગંધ હોય છે જે આ અળસિયાઓને આપમેળે આકર્ષિત કરે છે અને તેમની સંખ્યામાં ચમત્કારિક વૃધ્ધિ થાય છે.
સામાન્ય રીતે અળસિયાના શરીરનો આગળનો છેડો અણીદાર અને પાછળનો છેડો બુઠ્ઠો હોય છે. અળસિયાને હાડકા, પગ, આંખ કે કાન હોતા નથી. અળસિયાના જીવનકૃમમાં ઇંડા, અવસ્થા, બાલ્યાવસ્થા અને પુખ્ત અવસ્થા હોય છે. તેને ઠંડક વધારે પસંદ હોય છાંયડામાં જયાં ભેજ હોય ત્યાં અળસિયાની હાજરી જોવા મળે છે. આમ આ રીતે અળસિયા ખેડૂતોનાં સાચા મિત્ર બનીને મદદ કરે છે.