ખેડા જીલ્લા સખી મંડળની બહેનો ડોર ટુ ડોર જઈ બહેનોને મતદાન કરવા સમજુતી કરશે

  • ડુમરાલની સખી મંડળની બહેનો દ્વારા મહિલા મતદારોને અચૂક મતદાન કરવા અપીલ.

નડિયાદ, લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત ગુજરાતમાં ત્રીજા તબક્કામાં તમામ લોકસભા બેઠકો પર 07 મે, 2024ના મતદાન થનાર છે. ત્યારે ખેડા જીલ્લામાં પણ મહત્તમ મતદાન દ્વારા લોકશાહીનો પાવન પર્વ ઉજવવા જીલ્લા ચૂંટણીતંત્ર દ્વારા તડામાર પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. જીલ્લાનો કોઈ પણ મતદાર મતદાન પ્રક્રિયાથી વંચિત ન રહી જાય એ જોવાની તમામ જીલ્લાવાસીઓની પણ ફરજ છે. જેના ભાગરૂપે આજ રોજ નડિયાદના ડુમરાલ ગામ, સ્વામીનારાયણ મંદિર ખાતે મતદાન જાગૃતિ માટેનો એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ડુમરાલ ગામના સખી મંડળની બહેનો દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણીમાં અવશ્ય મતદાન કરવા અને અન્ય મહિલાઓને પણ મતદાન કરાવવા જાગૃત કરવાની પ્રતિજ્ઞા અને સંકલ્પ લેવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ડુમરાલ ગામના સખી મંડળના બહેન રશ્મિકાબેન શર્માએ જણાવ્યું હતું કે તેઓ પોતાની ટીમ સાથે સમગ્ર ડુમરાલ ગામની બહેનોને મતદાન કરવા માટે સમજુતી આપશે અને મહિલાઓને ડોર ટુ ડોર જઈ મતદાન કરવાની પ્રેરણા આપશે.

આ કાર્યક્રમમાં એનઆરએલએમ મેનેજર મધુબેન, ડીસ્ટ્રીક્ટ આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર શૈલેષકુમાર, તલાટી પ્રતિક પટેલ સહિત મોટી સંખ્યામાં સખી મંડળની બહેનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.