ખેડબ્રહ્મામાં મત માગવા ગયેલા ભાજપના અશ્વિન કોટવાલ જનતાના સવાલોથી નારાજ થયા

હિમતનગર,

સાબરકાંઠાના ભાજપના ઉમેદવાર અશ્વિન કોટવાલનો એક વીડિયો વાયરલ થયો છે. જેમા તેમને પ્રચાર દરમિયાન ગામના લોકોના વિરોધનો સામનો કરવો પડ્યો છે. વિજયનગર તાલુકાના જોરાવરનગર ગામે મતદારોએ તેમને આકરા સવાલો પૂછ્યા હતા. રોડ રસ્તા સહિતની અન્ય કામગીરીને લઈને અશ્વિન કોટવાલને સવાલો પૂછવામાં આવતા તે નારાજ થઈ ગયા. સવાલોથી અકળાયેલા અશ્વિન કોટવાલે પોતાનો રોફ બતાવ્યો અને કહ્યુ કે હું તમારા જવાબો આપવા માટે બંધાયેલો નથી. મત આપવો હોય તો આપો નહીં તો કંઈ નહીં.

જોરાવરગામના સ્થાનિકોએ સમસ્યાનું નિરાકરણ ન થયુ હોવાની ફરિયાદ કરી રહ્યા હતા. તે સમયે અશ્વિન કોટવાલે પહેલા કહ્યુ કે સમય આવ્યે તમારી સમસ્યાનું નિરાકરણ થઈ જશે. સરકાર આવશે ત્યારે એના માટે રજૂઆત કરીશ. આવુ સાંભળી સ્થાનિક વ્યક્તિએ જણાવ્યુ કે આ જવાબ સારો નથી. ત્યારે અશ્ર્વિન કોટવાલે કહ્યુ કે તમને જવાબ આપવા માટે અશ્વિન કોટવાલ બંધાયેલો નથી. આટલેથી ન અટક્તા અશ્વિન કોટવાલે તેવર બતાવતા કહ્યુ કે તમે બોલાવ્યો એટલે આવ્યો છુ. મે મત માગવા માટે માગણી કરી. મત આપવો હોય તો આપો, ગામને યોગ્ય લાગશે તો મત આપશે. કોંગ્રેસમાંથી પક્ષપલટો કરી ભાજપમાં આવેલા અશ્વિન કોટવાલ મતદારો સમક્ષ રોફ બતાવતા જોવા મળ્યા.

નેતાજી જનતાના સવાલોથી એટલા અકળાઈ ગયા કે કહી દીધુ કે જવાબો આપવા બંધાયેલો નથી. નેતાજીને કોણ સમજાવે કે મત માગવા માટે બંધાયેલા છો તો જવાબો આપવા પણ બંધાયેલા છે. જનતા ચૂંટાયેલા પ્રતિનિધિને સવાલો નહીં કરે તો કોને કરશે ? એ શું આ નેતાજી નહીં સમજતા હોય ?