ખેડા સીરપ કાંડ: મુંબઇ કનેક્શન વચ્ચે આરોપી તૌફિકને લઇ ચોંકાવનારો ઘટસ્ફોટ,અત્યાર સુધીમાં ૭ની ધરપકડ

અમદાવાદ, ખેડા સીરપ કાંડની તપાસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. ખેડા સીરપ કાંડમાં મુંબઈથી તૌફિક મુકાદમ ગુજરાતમાં મિથાઈલ આપતો હતો. અન્ય નામે બિલ બનાવીને તૌફિક મિથાઈલ સાથે મિથેનોલ પણ મોકલતો. કેમિકલનું નામ લખ્યા વિના સીધું કંપનીના બ્રાન્ડના નામે બિલ બનાવતો. ઇપીએસઓએલના નામે આરોપી તૌફિક બિલ બનાવતો.

આ સમગ્ર મામલે ખેડા જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયાએ માહિતી આપી. સીરપ કાંડમાં અત્યાર સુધીમાં ૭ આરોપીઓની ધરપકડ કરાઇ છે. જેમાં મુખ્ય આરોપી યોગેશ સિંધી, કિશોર સોઢા, ઈશ્ર્વર સોઢા છે કે જેઓના ૧૦ દિવસના રિમાન્ડ પૂર્ણ થયા છે. નડિયાદ ગ્રામ્ય પોલીસે ૩ આરોપીઓના વધુ રિમાન્ડ માગ્યા હતા. આથી નડિયાદ સેન્સન્સ કોર્ટે યોગેશ સિંધીના ૪ દિવસ અને કિશોર સોઢાના વધુ ૩ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. આરોપી યોગેશ સિંધી કે જે પહેલાં બહારથી સીરપ મંગાવતો. યોગેશ પોતાની ફેકટરીમાં જ નશીલી સીરપ બનાવતો. આરોપી રાજદીપ વાળા યોગેશને ટેક્નિકલ સપોર્ટ કરતો. વધુમાં માનવ અધિકાર પંચ દ્વારા સીરપ કાંડ મામલે રિપોર્ટ માંગવામાં આવ્યો છે. ખેડા જિલ્લા પોલીસ પાસે ૨૦ દિવસમાં ખુલાસો માંગ્યો છે. આથી, ખેડા જિલ્લા પોલીસ સમગ્ર મામલે સમય મર્યાદામાં અયોગને રિપોર્ટ કરશે.

ઉલ્લેખનીય છે કે, ખેડાના સીરપ કાંડમાં ખેડા પોલીસે અગાઉ વધુ એક આરોપી રાજદીપસિંહ વાળાની પણ અટકાયત કરી હતી. આરોપી યોગેશ સિંધી નડીયાદ સ્થિત ફેક્ટરીમાં નકલી સીરપ બનાવતો હતો. પહેલાં ખેડાના ડભાણ પાસે આ સીરપનું પ્રોડક્શન થતું હતું. સીરપ બનાવતી ફેક્ટરીમાં જ રાજદીપ યોગેશના સંપર્કમાં આવ્યો. રાજદીપ મશીનરી અને પેકિંગ બાબતનો ટેક્નિકલ જાણકાર હતો. આથી રાજદીપની ક્ષમતાઓ જોઇ યોગેશે પોતાની ફેક્ટરી રાજદીપને ચલાવવા આપી દીધી હતી.

પોલીસ અધિકારીએ અગાઉ જણાવ્યું હતું કે, ’અલગ-અલગ લાઇસન્સ મુજબ ફેક્ટરીમાં બોટલિંગ તેમજ મસાલા પેક કરવાની મશીનરી છે. કેસને લગતી ઉપયોગી પુરાવાઓ સર્ચ ઓપરેશન દરમિયાન કબજે લેવાઈ રહ્યા છે. મસાલા, બેવરેજીસ તેમજ અન્ય એક ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનું એમ ત્રણ લાઇસન્સ છે. ૨૦૨૧થી ચાલતી ફેક્ટરીમાં સાત જેટલા મજૂરો કામ કરતા હતા.’