ખેડાના વસોમા તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારીનુ હાર્ટ એટેકથી મોત

નડિયાદ,ખેડાના વસોમાં તાલુકા પંચાયતમાં વિસ્તરણ અધિકારનુ હાર્ટએટેકથી મોત નીપજયું હતુ. જેથી કચેરીમાં શોકનો માહોલ ફરી વળ્યો હતો. અધિકારી સવારે કચેરીમાં આવ્યા બાદ પગથિયા ચઢી રહ્યા હતા તે દરમિયાન એકાએક હુમલો આવતા તેઓને તાત્કાલિક સારવાર માટે દાખલ કરાયા હતા. પરંતુ તેમનુ મોત નીપજયું હતુ.

નડિયાદ તાલુકાના હાથજ ગામમાં રહેતા અને વસો તાલુકા પંચાયતમાં છેલ્લા બે વર્ષથી વિસ્તરણ અધિકારી તરીકે ફરજ બજાવતા અજયસિંહ જામ રોજના ક્રમ મુજબ તેઓ કચેરીએ આવ્યા હતા. વસો તાલુકાના રૂમણા મેરી મીટ્ટી, મેરા દેશ કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ તાલુકા પંચાયતની કચેરીએ પરત આવ્યા હતા. અને કચેરીના પગથિયા ચઢતા હતા તે વખતે તેમને છાતીમાં દુ:ખાવો ઉપડતા તેઓ બેસી ગયા હતા. ત્યારબાદ તેમની તબિયત વધુ લથડતા કચેરીના સ્ટાફના લોકોએ તાત્કાલિક તેમણે સારવાર અર્થે ખસેડ્યા હતા. પરંતુ ઉપરા છાપરી હૃદયના હુમલા આવ્યા હોય તેમનુ અવસાન થયુ હતુ. તેમના અવસાનને લઈ તાલુકા તેમજ જિલ્લા પંચાયતના કર્મચારીઓ તેમજ અધિકારીઓમાં દુ:ખની લાગણી ફેલાઈ હતી.