- નડીયાદ પશ્ચિમ પોલીસ મથકે વિવેક પટેલ સહિત ૨ લોકો સામે ફરિયાદ નોંધાવા પામી છે.
નડિયાદ,ખેડાનાં નડીયાદમાં જમીન મામલે ભાજપનાં કાઉન્સિલરનાં દીકરા વિવેક પટેલની દાદાગીરી સામે આવી છે. વૃદ્ધ મહિલાએ તેનાં ખેતરમાં બનાવેલ ઓરડી કાઉન્સિલરનાં પુત્ર દ્વારા મહિલાની સામે તોડી નાંખી હતી. તેમજ વૃદ્ધાને લાફા માર્યા હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. ત્યારે આ સમગ્ર ઘટનાને લઈ નડીયાદ પશ્ચિમ પોલીસ મથકે વિવેક પટેલ સહિત ૨ લોકો સામે ફરિયાદ નોંધાવા પામી છે. વિજય પટેલ હાલ નડીયાદ નગર પાલિકાનાં વોર્ડ નંબર ૧૧ નાં કાઉન્સિલર છે.
આ બાબતે કાઉન્સિલર વિજય ઉર્ફે બબલ પટેલે જણાવ્યું હતું કે, જમીનનાં પુરાવા મારી પાસે છે. જમીન મારી માલિકીની છે. ૭/૧૨ નું રેકોર્ડ, ટીપી સ્કીમનું રેકોર્ડ, નગર પાલિકાનું ટીપી ફાઈનલ બી ફોર્મ એ બધું જ છે. પછી દૂધનું દૂધ અને પાણીનું પાણી ખબર પડી જશે. મારો છોકરો એક બિઝનેસમેન છે. મારો પોતાનો પેટ્રોલ પંપ છે. છોકરો પેટ્રોલ પંપ ચલાવે છે. સવારે ૮ થી બપોરે ૧ વાગ્યા સુધી અને સાંજે ૪ થી ૯ વાગ્યા સુધી પેટ્રોલ પંપ પર જ હોય છે. મારી જમીનમાં વૃદ્ધાએ ઓરડી બાંધી છે. તેમજ મારી જમીન તેમણે લઈ લેવી છે. એનાં માટે આ કારસો રચ્યો છે.
આ બાબતે ભાનુબેન રમેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, સંતરામ ડેરી રોડ ત્યાં આગળ મારી જમીન આવેલી છે. સર્વે નં. ૪૬૭ એ સર્વે નંબર જમીનની બાજુમાં વિજયભાઈ ઉર્ફે બબલભાઈ અને તેમનો દિકરા વિવેક તેમજ આનંદ સાથે ૧૩ તારીખે આ તમામ લોકો સાથે બોલાચાલી થવા પામી હતી. અને મારી ઓરડી તોડી નાંખી હતી. થોડા દિવસ બાદ મારી ઓરડી તોડી નાંખી હોવાની જાણ થતા હું મારી જમીન ઉપર ગઈ હતી. ત્યાં પહોંચ્યા બાદ બિલ્ડર યોગેશભાઈએ વિવેકને બોલાવ્યો હતો. તે દિવસે અમારે બોલાચાલી થઈ હતી. જે બાદ અમે ફરિયાદ લખાવવા જતા હતા. ત્યારે વિજયભાઈ ઉર્ફે બબલભાઈએ અમને ડેરીવાળા ઓવર બ્રિજ પાસે બોલાવ્યા હતા. જ્યાં વિજયભાઈએ અમારી પાસે માફી માંગી સમાધાન કર્યું હતું. જે બાદ તેમણે જવાબદારી લીધી કે તમારી ઓરડી હું બનાવી આપીશ તેમજ બ્રાઉન્ડ્રી બનાવી આપીશ. તમારો જે સામાન હશે તે હું આપી દઈશ. જે બાદ બીજા દિવસે યોગેશભાઈ બિલ્ડરે અમને ત્યાં બોલાવ્યા હતા. ત્યારે વચ્ચે રહેલ કાનાભાઈને લઈ અમે ત્યાં ગયા હતા. જે બાદ વિવેકને ત્યાં બોલાવ્યો હતો. જે બાદ વિવેકે મને ત્યાં અપશબ્દો બોલ્યો હતો. અને કહેલ કે ઓરડી નહી ચણી આપું. અને મને બે લાફા માર્યા હતા. જે બાદ અમે પોલીસ ચોકીએ જઈ ફરિયાદ નોંધાવી હતી.