ખેડા,ખેડા જિલ્લામાંથી સામે આવેલા બોગસ માર્કશીટ અને સર્ટિફિકેટ કૌભાંડમાં ખેડા LCBની ટીમે મુખ્ય સૂત્રધાર ડૉ અખિલેશ પાંડેની દિલ્હીથી ધરપકડ કરી છે. ખેડા એલસીબીની ટીમે છટકુ ગોઠવી આરોપી ડૉ અખિલેશ પાંડેને ઉત્તરાખંડના દહેરાદુનથી દિલ્હી બોલાવ્યો હતો. દિલ્હીથી પકડાયેલ મુખ્ય સૂત્રધાર ડૉ અખિલેશ પાંડે ડુપ્લીકેટ માર્કશીટનું નેટવર્ક હાલ ઉત્તરાખંડથી ચલાવતો હતો.
ખેડા એલસીબીની ટીમ મુખ્ય આરોપીને કોર્ટમાં હાજર કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરશે. રિમાન્ડ દરમિયાન બોગસ માર્કશિટ કૌભાંડના આરોપી પાસેથી મોટા ખૂલાસા થઈ શકે છે. ગુજરાતમાં ક્યા ક્યા જિલ્લાઓમાં આરોપીઓએ કોને કોને ડુપ્લીકેટ માર્કશીટ અને સર્ટિફિકેટ આપ્યા છે તેની ખેડા એલસીબીની ટીમ તપાસ કરશે.
આરોપી ડૉ અખિલેશ પાંડે ફોન અને વોટ્સઅપ દ્વારા હરીશ શર્મા ઉર્ફે રાજકુમારને માર્કશીટ અને સર્ટિફિકેટ બનાવતો હતો. ડૉ અખિલેશ પાંડે હોટલ મેનેજમેન્ટનો ટ્રેનર છે. કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ડૉ અખિલેશ પાંડે અગાઉ પણ આણંદ, અમદાવાદ, દિલ્હી, હરિયાણા સહિતના શહેરોમાં શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષક તરીકે નોકરી કરી ચૂક્યો છે. રિમાન્ડ દરમિયાન આરોપીઓના બેંક સ્ટેટમેન્ટ, કોલ ડિટેલ્સ ઓનલાઈન લેવડદેવડ દ્વારા તપાસ કરવામાં આવશે. કેટલા વ્યક્તિઓને અત્યાર સુધીમાં આ ડુપ્લીકેટ માર્કશીટ વેચી છે તે અંગેની માહિતી પણ પોલીસ રિમાન્ડ દરમિયાન મેળવશે. વિદેશ જવાની લાલચ અને નોકરી મેળવવા ઈચ્છુક યુવાઓ સાથે મોટી કિંમત બોગસ માર્કશીટનો વેપલો થતો હતો.