ખેડા, જીલ્લા કલેકટર કે.એલ.બચાણીની અધ્યક્ષતામાં ખેડા તાલુકા સેવા સદન ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગટર લાઈન, મંદિર પરિસર સફાઈ, ડિવાઇડર પર લાઈટ નાખવા, પોલીસ સ્ટેશનમાં કરેલ અરજીની કાર્યવાહી બાબતે, ટેનન્સી તગાવી મુક્તિ પ્રમાણપત્ર, સીટી સર્વે નકલ આપવા અને વિકાસના બાંધકામના કામો વર્ક ઓર્ડર મુજબ કરવા સહિતના પ્રશ્ર્નો રજૂ કરવામાં આવ્યા હતા. જીલ્લા કલેકટરએ પ્રશ્ર્ન સંબંધિત વિભાગના અધિકારીઓને કાયદાકીય શરતો અને જોગવાઈ મુજબ નિશ્ચિત સમયગાળામાં પ્રશ્ર્નોનું નિરાકરણ લાવવા સૂચન કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
સ્વાગત કાર્યક્રમના મહત્વ ઉપર ભાર આપતા જીલ્લા કલેક્ટરએ લોકોના પ્રશ્ર્નોનું સત્વરે નિરાકરણ લાવવા તાકીદ કરી હતી. કચેરીઓમાં આવતા લોકો માટે પબ્લિક ફ્રેન્ડલી રિસ્પોન્સ, હેલ્પ ડેસ્ક, અરજીઓના બેકલોગની નિયમિત ચકાસણી દ્વારા પબ્લિક ફ્રેન્ડલી અભિગમ થી કામગીરી કરવા જીલ્લા કલેક્ટરએ અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમમાં ખેડા પ્રાંત અધિકારી , ખેડા તાલુકા વિકાસ અધિકારી સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.