ખેડા જીલ્લાના વસો મુકામે જીલ્લાકક્ષા કલા મહાકુંભ-2023-24 સ્પર્ધા યોજાઇ

  • વિવિધ વયજૂથમાં અંદાજીત 1200 જેટલા સ્પર્ધકોએ કલા મહાકુંભ સ્પર્ધામાં ભાગ લીધો.

ખેડા, રાજ્ય સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર-પ્રેરિત કમિશ્ર્નર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા આયોજીત તથા જીલ્લા યુવા વિકાસ અધિકારી, જીલ્લા યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની ક્ચેરી, ખેડા-નડિયાદના નેજા હેઠળ કલા મહાકુંભ- 2023-24” નું આયોજન તા. 03 અને 04, જાન્યુઆરી 2024 દરમિયાન વસો કેળવણી મંડળ, વસો, જી. ખેડા ખાતે કરવામાં આવ્યું હતું.

બે દિવસના કાર્યક્રમ દરમિયાન 23 જેટલી અલગ અલગ સ્પર્ધાઓ જેમ કે સમૂહગીત, ગરબા, લોકનૃત્ય, રાસ, એકપાત્રીય અભિનય, ભરતનાટ્યમ, વકતૃત્વ, ચિત્રકલા, નિબંધ, સુગમ સંગીત, લગ્નગીત, તબલા, હાર્મોનિયમ (હળવું), લોકગીત/ભજન, કાવ્ય લેખન, ગઝલ શાયરી લેખન, લોકવાર્તા, દુહા- છંદ-ચોપાઇ, સર્જનાત્મક કારીગરી, સ્કુલબેન્ડ, ઓર્ગન, કથ્થક, શાસ્ત્રીય કંઠ્ય સંગીત (હિંદુસ્તાની) જેવી વિવિધ સ્પર્ધા યોજવામાં આવી હતી. આ સ્પર્ધાઓમાં, 6 થી 14 વર્ષ, 15 થી 20 વર્ષ અને 21 થી 59 વર્ષના વયજૂથમાં લગભગ 1200 ઉપરાંત સ્પર્ધકોએ ભાગ લીધો.

આ સ્પર્ધામાં વિજેતાઓને શિલ્ડ આપવા માટે વસોના નિવાસી નરેન્દ્ર ભાઈ અમીન (હાલ સ્વીડન) દ્વારા દાન આપવામાં આવ્યું હતું. તેમજ સરકાર દ્વારા વિજેતાઓને પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યા હતા. જીલ્લા યુવા વિકાસ અધિકારી, ખેડા-નડિયાદની યાદીમાં જણાવ્યા અનુસાર કલા મહાકુંભ જેવા ગુજરાત સરકારના ફ્લેગશીપ કાર્યક્રમના આયોજન બદલ સ્પર્ધકોએ સરકારનો આભાર માન્યો હતો.

આ કાર્યક્રમમાં સ્પર્ધકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. કાર્યક્રમના ઉદ્ઘાટનમાં ગુજરાત સરકારના ડેપ્યુટી ડાયરેક્ટર ઓફ પ્રોસિકયુશન રાકેશ રાવ, જીલ્લા યુવા વિકાસ અધિકારી અક્ષય મકવાણા, જીલ્લા રમતગમત અધિકારી લક્ષમણસિંહ ચૌહાણ તથા પ્રાંત યુવા વિકાસ અધિકારી ડો.ચેતનભાઇ શિયાણિયા સહિત વસો કેળવણી મંડળના પ્રમુખ અને મંત્રી હાજર રહ્યા હતા.