ખેડા જીલ્લાના નાગરીકોને ગરમીથી બચવા આવશ્યક તકેદારી લેવા જીલ્લા આરોગ્ય તંત્રની અપીલ

  • હીટ સ્ટ્રોકના લક્ષણ જણાય તેવા સંજોગોમાં તરત તબીબની સલાહ લેવી અને ઈમરજન્સીમાં 108 નો સંપર્ક સાધવો.

નડીયાદ,ખેડા જીલ્લામાં આવનારા દિવસોમાં વધી રહેલા તાપમાનના અનુસંધાને જીલ્લા આરોગ્ય તંત્ર દ્વારા શહેરીજનોને અતિશય ગરમીથી બચવા જરૂરી કાળજી રાખવા માટે અપીલ કરવામાં આવી છે. હીટવેવ દરમિયાન નાના બાળકો, વૃધ્ધો અને સગર્ભા સ્ત્રીઓનું ખાસ ધ્યાન રાખવા જીલ્લા આરોગ્ય તંત્ર, ખેડા દ્વારા જણાવવામાં આવ્યું છે.

ગરમીમાં રાહત મેળવવા શું કરવું

  • બહાર જતી વખતે પાણીની બોટલ સાથે રાખવી.
  • પાણી, લીંબુ શરબત, છાશ, નાળિયેર પાણી અથવા અન્ય પ્રવાહીનું વધુમાં વધુ પ્રમાણમાં સેવન કરવું.
  • તાજા ફળો અને શાકભાજી ખાવાથી ગરમીમાં રાહત મેળવી શકાય છે.
  • બહાર જતી વખતે છત્રી/ટોપી/સ્કાર્ફ સાથે રાખવા.
  • આચ્છા રંગના તેમજ ઢીલા સુતરાઉ કપડાં પહેરવાં.
  • કામ કરતી વખતે થોડા થોડા સમયે વિરામ લેવો.
  • ઠંડક વાળા સ્થળો પર સમયાંતરે આરામ કરવો.

અતિશય ગરમીમાં શું ન કરવું

તીખું ખાવાનું ટાળવું.

આહારમાં વધુ પડતું પ્રોટીન અને વાસી ખોરાક લેવાનું ટાળવું.

ચા કોફી અને સોડાવાળા પીણાં પર નિયંત્રણ રાખવું.

લાંબો સમય તડકામાં ન રહેવું.

નોંધનીય છે કે, અતિશય ગરમીનાં લીધે લુ લાગવાથી ગરમીની અળાઇઓ નિકળવી, ખૂબ પરસેવો થવો અને અશક્તિ લાગવી, માથાનો દુ:ખાવો, ચક્કર આવવા, ચામડી લાલ સૂકી અને ગરમ થઇ જવી, સ્નાયુઓમાં દુ:ખાવો અને અશક્તિ આવવી, ઉબકા અને ઉલ્ટી થવી વગેરે લક્ષણો દેખાઈ શકે છે. આ સંજોગોમાં તરત તબીબની સલાહ લેવી અને ઈમરજન્સીમાં 108 નો સંપર્ક સાધવો તેમ ખેડા જીલ્લા આરોગ્ય તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.