- ખેડા જીલ્લામાં આદર્શ આચારસંહિતાના અસરકારક અમલ માટે જીલ્લામાં 24 જેટલા અમલીકરણ નોડલ અધિકારીઓ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી.
નડિયાદ,ખેડા જીલ્લામાં આદર્શ આચારસંહિતાના અમલીકરણ માટે જીલ્લા ચૂંટણી તંત્ર પ્રતિબધ્ધ બન્યું છે. ચૂંટણી દરમિયાન આચાર સંહિતાના અમલ માટે જીલ્લાકક્ષાના 4 અમલીકરણ નોડલ અને 4 અમલીકરણ મદદનીશ નોડલ સહિત નગરપાલિકા તથા ગ્રામ્ય વિસ્તાર મળીને કુલ 20 અમલીકરણ નોડલ તથા 27 અમલીકરણ મદદનીશ નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. જે પૈકી નગરપાલિકા વિસ્તારોમાં સંબંધિત ચીફ ઑફીસરઓ તથા ગ્રામ્ય વિસ્તારોમાં સંબંધિત તાલુકા વિકાસ અધિકારીઓને આચારસંહિતા અમલીકરણ નોડલ તરીકે નિમવામાં આવ્યા છે.
આદર્શ આચાર સંહિતાના મુખ્ય નોડલ અધિકારી અને જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એલ. એ. પટેલના જણાવ્યા અનુસાર ચૂંટણી જાહેર થતાની સાથે જ જીલ્લાભરમાંથી જાહેર તથા ખાનગી મિલકતો પરથી રાજકીય પક્ષોના બેનર્સ, પોસ્ટર, ભીંત લખાણો સહિત અન્ય સામગ્રી હટાવવાની કામગીરી કરવામાં આવી છે. જે અન્વયે જીલ્લા ચૂંટણી તંત્ર દ્વારા રાજકીય પક્ષોના પોસ્ટર, બેનર્સ, લખાણો હટાવવાની કામગીરી જીલ્લાના દસ નગરપાલિકા વિસ્તાર તેમજ તાલુકા કક્ષાએ ટીમો બનાવી ચૂંટણી જાહેર થતાની સાથે જ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ કામગીરીના ભાગરૂપે ખેડા જીલ્લામાં તા. 06/04/2024 સુધીમાં આજદિન સુધી મિલકતો ઉપર જોવા મળેલ 1,152 ભીંત લખાણો, 1,146 પોસ્ટર, 596 બેનર્સ તથા અન્ય 745 મળીને કુલ 3,639 પ્રકારની સામગ્રી હટાવવામાં આવી છે. જયારે ખાનગી મિલકતો પરથી 366 ભીંત લખાણો, 257 પોસ્ટર, 82 બેનર્સ તેમજ અન્ય 152 મળીને કુલ 857 પ્રકારની પ્રચારાત્મક સામગ્રી હટાવવામાં આવી હતી. આમ કુલ 4,496 જેટલા પોસ્ટર-બેનર્સ સહિતની પ્રચારાત્મક સામગ્રી હટાવવામાં આવી હોવાનું આદર્શ આચાર સંહિતાના મુખ્ય નોડલ અધિકારી એલ. એ. પટેલે જણાવ્યું છે.