- 155 કર્મચારીઓ ચાર માસ સુધી ગણતરી કરી ડેટા એકત્ર કરશે
ભારત દેશમાં 70 ટકા લોકો પશુપાલન ખેતી સાથે સંકળાયેલા છે. ત્યારે પશુપાલન વ્યવસાય ગ્રામીણ અર્થતંત્ર માટે મહત્વનો ભાગ ભજવે છે. તેને ધ્યાને લઈને પશુપાલન અંગે વિવિધ નિતિઓનું આયોજન કરવા તેમજ પશુપાલન ક્ષેત્રને વધુમાં વધુ સુદ્રઢ અને આર્થિક ઉપાર્જન આપતુ થાય અને પુર કે કુદરતી આપત્તિ સમયે પશુપાલકોને થયેલ નુકશાનનો સાચો આંક જણાવી શકાય તે હેતુથી પશુઓનો ડેટાબેઝ તૈયાર કરાય છે. અત્યાર સુધી ટેબલેટ થકી ડેટા બેઝ તૈયાર કરાતો હતો પ્રથમ વખત જ મોબાઈલ એપથી પશુઓની ગણતરી કરવામાં આવશે.
ખેડા જિલ્લામાં 21મી પુશધન વસ્તી ગણતરી માટે કુલ 130 ગણતરીદાર, 20 સુપરવાઈઝર અને અન્ય 5 મળી 155 કર્મચારીઓ 1લી સપ્ટેમ્બરથી ડિસેમ્બરના અંત એમ 4 માસમાં આ કામગીરી પુર્ણ કરવામાં આવનાર છે. તે અંતર્ગત તા.13/08/2024 ના રોજ જિલ્લા પંચાયત કચેરી ખેડા ખાતે અત્રેના જિલ્લાના પશુપાલન ખાતાના તમામ અધિકારી/કર્મચારીઓ અને પશુપાલન નિયામકની કચેરી ગાંધીનગરથી પધારેલ નોડલ અધિકારી અને વિભાગીય સંયુક્ત પશુપાલન નિયામકની કચેરી, અમદાવાદથી પધારેલ અધિકારીની હાજરીમાં ગણતરીદાર/સુપરવાઈઝરને વિસ્તૃત તાલીમ આપવામાં આવી. ખેડા જિલ્લામાં 20મી પશુધન વસ્તીગણતરી વર્ષ 2019 દરમિયાન ગાય, ભેંસ, ઘેટા, બકરા એમ વિવિધ જાતીના કુલ 10,34,278 પશુઓ નોંધાયાં હતાં.
આ અંગે પશુપાલન વિભાગના નાયબ પશુપાલન નિયામકશ્રી ડો.સી.એમ.રાણાએ જણાવ્યું હતું કે આ કામગીરી સંપુર્ણ રીતે મોબાઈલ એપ દ્વારા કરવામાં આવનાર હોઈ દરેક ગણતરીદાર બહુજ સરળતાથી તેનો ઉપયોગ કરી શકશે. આ પશુધન વસ્તીગણતરી માટે નિયત થયેલ ગણતરીદાર ગ્રામ્ય/શહેરી વિસ્તારમાં પશુધન ધરાવતા પશુપાલકો પાસે પશુધન વસ્તીગણતરી માટે આવે ત્યારે સંબધિતોએ માહિતી માટે સહકાર આપવા અનુરોધ કરાયો છે.