ખેડા, દેશ જયારે ખેલકૂદ ક્ષેત્રે અનેક સિધ્ધી હાંસલ કરી રહયો છે ત્યારે ગ્રામિણ વિસ્તારના બાળકોને રમત ગમત ક્ષેત્રમાં આગળ લાવવા, તેમજ બાળકો, યુવાનો શારીરીક રીતે તંદુરસ્ત બની, ખેલકુદમાં કૌશલ્ય દાખવી પોતાના ગામનુ નામ રોશન કરે તેવા આશયથી ગ્રામીણ વિસ્તારોમાં શિવાની ગોયલ અગ્રવાલ, ચેરમેન-વ-જીલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં મનરેગા યોજના હેઠળ કુલ 100 રમતગમતના મેદાનો તૈયાર કરવામાં આવનાર છે. જે પૈકી 50 જેટલા મેદાનો તૈયાર કરી દેવામાં આવેલ છે. તેમજ તાલુકાદીઠ 2 બે એમ કુલ 20 મોડેલ મેદાન બનાવવાનું આયોજન કરેલ છે. જેમાં અંદાજીત 2 (બે) એકર જમીનમાં વોકીંગ ટ્રેક, ક્રિકેટ, વોલીબોલ, કબ્બડી અને ખોખોના મેદાનોનો સમાવેશ થશે.
ખેડા જીલ્લામાં બની રહેલ કુલ 100 મેદાનો પૈકી 30 મેદાનો શાળાઓમાં તૈયાર કરવામાં આવનાર છે. જે મોટાભાગના રમતગમતના મેદાનો બનીને તૈયાર થઈ ગયેલ છે. શાળામાં મેદાનો બનવાથી વિદ્યાર્થીઓમાં ભણતરની સાથોસાથ રમત ગમત પ્રત્યે પણ રૂચિમાં વધારો થયેલ છે. ક્રિકેટ ઉપરાંત અન્ય રમત ગમત, શાળાઓના રમતોત્સવ, પોલીસ તથા અન્ય સૈન્ય ભરતી વખતે ગ્રામીણ વિસ્તારના યુવાનો તૈયારી કરી શકે તેવો ઉમદા હેતુ રહેલો છે.
શાળામાં તૈયાર થયેલ રમતગમતના મેદાન બાબતે મહેમદાવાદ તાલુકાના વમાલી ગામના શાળાના આચાર્ય સુરેશભાઈ ચૌહાણ જણાવે છે કે શાળામાં વોલીબોલનુ મેદાન બનવાથી શાળાના બાળકો ઉત્સાહભેર વોલીબોલની રમત રમે છે. તેમજ જે બાળકો આ રમત ક્યારે ય રમ્યા ન હતા તે બાળકો હાલ સારી રીતે વોલીબોલની રમત રમી રહયા છે.
વધુમાં ગામની પડતર પડી રહેલ જમીનમાં મનરેગા યોજના હેઠળ મેદાનો તૈયાર કરવામાં આવતા ગામમાં જ રોજગારી વાંચ્છુક કુટુમ્બોને રોજગારી પણ મળી રહેલ છે. ગ્રામ્ય કક્ષાએ જો શાળામાં પૂરતી જગ્યા ઉપલબ્ધ હોય તો મનરેગા યોજના હેઠળ રમતગમતના મેદાન બનાવવા માટે તાલુકા વિકાસ અધિકારીનો સંપર્ક કરવાનો થાય છે.