- માત્ર અધિકૃત લાયસન્સ પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ બિયારણ ખરીદી કરવાનો આગ્રહ રાખવો.
- લાયસન્સ / પરવાનો ધરાવતા ન હોય તેવા વ્યક્તિઓ, પેઢીઓ કે ફેરીયાઓ પાસેથી કયારેય પણ બિયારણની ખરીદી કરવી નહી.
નડિયાદ,ખેડા જીલ્લામા ખેડૂતો આગામી ખરીફ ઋતુમા વાવેતર માટે બિયારણની ખરીદી કરતા હોય છે. પરંતુ અનેક વખત બિયારણ નકલી નીકળતા ખેડૂતોને નુકશાની વેઠવાનો વારો આવે છે. ત્યારે ખેડૂતો છેતરપીંડીથી બચે તે માટે લાયસન્સ ધારકો પાસેથી જ બિયારણની ખરીદી કરે તેવો તંત્ર દ્વારા અનુરોધ કરવામા આવે છે.
ખેડૂતોએ બિયારણની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ ખરીદી કરવાનો આગ્રહ રાખવો. બિયારણની ખરીદી સમયે વેપારી પાસેથી તેનો લાયસન્સ નંબર, પૂરૂં નામ સરનામું અને જે બિયારણ ખરીદેલું હોય તેનું નામ, જાત, બિયારણનો વર્ગ, લોટ નંબર, ઉત્પાદન તારીખ અને મુદત પૂરી થવાની વિગત દર્શાવતું બીલ સહી સાથે અવશ્ય લેવું. બિયારણની થેલી સીલ બંધ છે કે કેમ, તેમજ તેની મુદ્દત પૂરી થઈ નથી તથા બીલમાં જણાવેલ તમામ વિગતો બિયરાણની થેલી લખેલી છે કે નહી તે બાબતે ખાસ ચકાસણી કરવી. મુદ્દત પૂરી થયેલી હોય તેવાં બિયારણની ખરીદી ક્યારેય કરવી નહીં.
ખાસ કરીને કપાસ પાકના બિયારણની થેલી અથવા પેકેટ કે જેના પર ઉત્પાદકનું નામ, સરનામું અને બિયારણના ધારાધોરણો દર્શાવેલ ન હોય તેવા 4 જી અને 5 જી જેવા જુદાં-જુદાં નામે વેચાતા અમાન્ય બિયારણની કોઈપણ સંજોગોમાં ખરીદી કરવી નહીં. આ પ્રકારના બિયારણ વેચાતા હોવાનું જો ધ્યાને આવે તો તાત્કાલિક સંબંધિત એગ્રીકલ્ચર ઇન્સ્પેક્ટર અથવા જીલ્લાના નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)ને તુરંત જાણ કરવી. વાવણી બાદ ખરીદેલ બિયારણનું પેકેટ-થેલી તેમજ તેનું બીલ પણ સાચવી રાખવુ જરૂરી છે. ખાસ કરીને કોઇપણ સંજોગોમાં લાયસન્સ / પરવાનો ધરાવતા ન હોય તેવા વ્યક્તિઓ, પેઢીઓ કે ફેરીયાઓ પાસેથી કયારેય પણ બિયારણની ખરીદી કરવી નહી જેથી છેતરપીંડીથી બચી શકાય એમ નાયબ ખેતી નિયામક (વિ.), નડિયાદ-ખેડા દ્વારા જણાવવામાં આવ્યુ છે.