ખેડા-આણંદ જિલ્લાના ખેડૂતોને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળની સહાય ચુકવવામાં ઠાગાઠૈયા

નડિયાદ : ખેડા-આણંદ જિલ્લામાંથી અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન ડ્રીમ પ્રોજેક્ટ પસાર થાય છે. આ પ્રોજેક્ટમાં જમીન સંપાદન થયેલા લાભાર્થીઓને પુનઃસ્થાપન તથા પુનઃવસવાટ હેઠળની સહાય ચૂકવવામાં ઘણાં સમયથી ઠાગા ઠૈયા કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો ઉઠી રહ્યાં છે. જ્યારે અન્ય જિલ્લામાં અસરગ્રસ્ત લાભાર્થીઓને સહાય ચૂકવવામાં આવી રહી છે. જેને લઈ ખેડા-આણંદ જિલ્લાના ખેડૂતોએ ભૂમેલ ચકલાસી જાદવપુરા બુલેટ ટ્રેન પ્રોજેક્ટના સ્થળે હલ્લાબોલ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે સરકાર દ્વારા ખેડૂતોની જમીન સંપાદન કરવામાં આવી હતી. આ જમીનનું સરકાર દ્વારા વળતર ચૂકવવામાં આવ્યું છે. આ ઉપરાંત સરકારે જાહેર કર્યા મુજબ અન્ય જિલ્લાઓમાં પ્રોજેક્ટના ખેડૂત લાભાર્થીઓને પુનઃસ્થાપન તથા પુનઃવસવાટ હેઠળ સહાય ચૂકવવામાં આવી છે. 

જ્યારે ખેડા-આણંદ જિલ્લામાંથી પસાર થતા બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સંપાદન થયેલી જમીન માલિકો ખેડૂતોને હજુ સુધી પરિવહન ખર્ચ, પુનઃસ્થાપન ભથ્થુ તેમજ પુનઃવસવાટ સહાય મળી ખેડૂત દીઠ રૂ.૧,૪૩,૨૦૦ મળવા પાત્ર સહાયથી ખેડૂતો વંચિત રહ્યા છે. 

જેથી આ સહાય મુદ્દે ખેડા-આણંદ જિલ્લાના ખેડૂતોએ ભૂમેલ ચકલાસી જાદવ પુરા સીમમાંથી પસાર થતા પ્રોજેક્ટના સ્થળે ઉમટી પડી ભારે સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો. 

આ લાભાર્થી ખેડૂતો એ કેન્દ્રીય મંત્રી, કલેકટર સહિત ઉચ્ચકક્ષાએ અવારનવાર રજૂઆત કરવા છતાં હજુ સુધી સહાયની રકમ ચૂકવવામાં આવી નથી. ત્યારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના સત્તાધીશો દ્વારા વહેલી તકે પુરક સહાય ચૂકવવા ખેડૂત લાભાર્થીઓએ માંગણી કરી છે. આ મુદ્દે ન્યાય નહીં મળે તો ખેડા-આણંદ જિલ્લાના ખેડૂતોએ આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે.