નર્મદા જિલ્લામાં એક શરમજનક ઘટના બની હતી. ગાંધીજી હંમેશાં ગામડાંના વિકાસની વાત કરતા હતા, પરંતુ તેમના મૃત્યુના આટલાં વર્ષો બાદ પણ જાણે તેમની આ ઈચ્છા સરકાર અને તંત્રની ઈચ્છાશક્તિના અભાવે અધૂરી જ રહી ગઈ છે. ગામડાના ખરાબ રસ્તાના અભાવે 108 ન પહોંચી ન શકતાં પ્રસૂતા મહિલાને ઝોળી નાખીને લઈ જવા ગામલોકો મજબૂર બન્યા હતા, જોકે સ્થિતિ વધુ ગંભીર થતાં રસ્તામાં જ મહિલાની ડિલિવરી કરાવવી પડી હતી. આમ, મહિલાએ રસ્તામાં જ બાળકને જન્મ આપ્યો હતો. હાલ બંનેની હાલત સ્વસ્થ છે.
નર્મદા જિલ્લાના ગામડામાં સ્વાસ્થ્ય અને રસ્તાની સુવિધાના અભાવના કારણે ગીચ જંગલમાં ખુલ્લા વિસ્તારમાં પ્રસૂતાની ડિલિવરી કરાવવા લોકો મજબૂર બન્યા છે. ગરુડેશ્વરના ચાપાટ ગામના નરેશભાઈ ખેતિયાભાઈ વસાવાનાં ગર્ભવતી પત્ની પાયલબેનને રાત્રિ દરમિયાન પ્રસૂતી પીડા ઊપડી હતી. ત્યારે આ ગામમાં રસ્તાના આભાવે કોઈ સરકારી વાહન આવી શકે એમ ન હોય, પરિવાર દ્વારા ગર્ભવતી મહિલાને સાડીની ઝોળી બનાવી હોસ્પિટલ લઈ જવાઈ રહી હતી, પણ જંગલના રસ્તામાં જતાં જતાં પ્રસૂતિપીડા વધી જતાં તેમની ત્યાં જંગલમાં જ ડિલિવરી કરવામાં આવી હતી. આમ, ગુજરાતનો ‘ઝોળી’દાર વિકાસ જોવા મળ્યો હતો.
ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર, ગરુડેશ્વર તાલુકાના ચાપટ ગામના ત્રણ ફળિયામાં અંદાજિત 300થી વધુની વસતિ છે. અંતરિયાળ જંગલ વિસ્તારના આ ગામમાંથી મુખ્ય રસ્તા પર આવવા માટે 10 કિલોમીટરનો રસ્તો બનાવવો જરૂરી છે. આઝાદીનાં 75 વર્ષ પૂર્ણ થયાં છતાં આ ગામની વાસ્તવિકતા બદલાઈ નથી. ત્યારે આજના યુગમાં પણ ગામલોકો ઝોળી લઈને દવાખાને જવા મજબૂર હોય, વિકાસની પોલ ખુલ્લી રહી હોવાનું જણાઈ આવે છે.
આ બાબતે આરોગ્ય વિભાગે પણ ખુલાસો આપવો પડ્યો હતો. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જનક માઢકે જણાવ્યું હતું કે આ 19 વર્ષીય પાયલબેન નરેશભાઈ વસાવા સગર્ભા બનતાં આરોગ્ય વિભાગ સતત કાળજી લેતો હતો. તેઓ મમતા દિવસમાં તપાસ માટે આવ્યા હતા, એ સમયે તેની તપાસ કરી હતી, પરંતુ ત્યારે તેને કોઈપણ તકલીફ ન હતી. જોકે તેઓ ઘરે પહોંચ્યા બાદ સાંજે તેને લેબરપેઈન શરૂ થતાં ઝોળીમાં નાખી હોસ્પિટલ લઈ આવતા સમયે રસ્તામાં જ ડિલિવરી થઈ ગઈ હતી.
હાલ બંનેની હાલત સ્વસ્થ્ય છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે 108 એમ્બ્યુલન્સમાં ગધેર ગામ પાસેથી લઈ તેને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જેતપુર ખાતે લાવ્યા હતા. ત્યાં મેડિકલ ઓફિસર અને સ્ટાફનર્સ દ્વારા બાળક અને માતાની જરૂરી સારવાર અને તપાસ કરતાં બંને સ્વસ્થ્ય છે. હાલ દર્દી પ્રા.આ.કે. ખાતે દાખલ છે. બાળકનું વજન 2.200 કિલોગ્રામ છે.
એક સ્થાનિક યુવકે આ અંગે જણાવ્યું હતું કે ગરુડેશ્વર તાલુકાના ચાપટ ગામમાં ત્રણ પેટાફળિયા છે. ચાપટ ફળિયામાં 10 કિલોમીટર સુધી રસ્તાના અભાવે કોઈ વાહનવ્યવહાર થાય એવી સ્થિતિ જ નથી, જેથી મહિલાને ઝોળીમાં નાખી દવાખાને લઈ જતા હતા, જ્યાં રસ્તામાં જ મહિલાની ડિલિવરી કરવી પડી હતી.
અમારી માગ છે કે આ વિસ્તારમાં રસ્તો બનાવી આપવામાં આવે. ગામમાં ઘણી અસુવિધા છે. રોડ, રસ્તા, શાળા એવી કોઈ જ સુવિધાઓ નથી. આ વિસ્તારમાં રોડ રસ્તા ન હોવાનો કારણે આવી અનેક ઘટનાઓ બને છે. અમારી માગ છે કે આ વિસ્તારમાં આરોગ્યાની સુવિધા આપે અને રોડ રસ્તાઓ બનાવવામાં આવે.
મહિલાનો ભાઈ રોશનભાઈ ખેતિયભાઈ વસાવાએ જણાવ્યું હતું કે ગઈકાલે બેથી ત્રણ વાગે મારા ભાઈનાં વહુને અચાનક ડિલિવરી પીડા થતાં ગામના 25થી 30 છોકરા ભેગા થઈ તેમને ઝોળીમાં નાખીને દવાખાને લઈ જતા હતા. ત્યારે રસ્તામાં જ તેની ડિલિવરી થઈ ગઈ છે. અમારી માગ છે કે સરકાર અમને રોડ રસ્તા બનાવી આપે, જેથી કોઈને આવી તકલીફ ન પડે. ત્રણ મહિના પહેલાં પણ આવી એક ઘટનામાં એક પ્રસૂતાનું મોત થયું હતું.