લુણાવાડા, કોરોના વાયરસની સામે લડવા કેન્દ્ર અને રાજય સરકારે અગમચેતીનાં સંખ્યાબંધ પગલાંઓ લીધા છે. કોરોના સામે લડવા લોકોની જાગૃતિ એટલી જ જરૂરી છે. જાગૃતિ અને સાવધાની એ જ બચાવનું શ્રેષ્ઠ માધ્યમ સાબિત થયા છે. ત્યારે મહીસાગર જિલ્લામાં આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો દ્વારા આ કપરા સમયમાં આરોગ્ય કર્મીઓ દ્વારા શ્રેષ્ઠ આરોગ્યની સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે.
આમ છતાં પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો દ્વારા વધુ સારી આરોગ્ય સેવાઓ પૂરી પાડી શકાય તે માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના આધુનિકરણ તથા કઇ-કઇ સાધનસામગ્રીની જરૂરિયાત છે તેનો ખ્યાલ આવી શકે તે માટે જિલ્લા કલેકટર આર. બી. બારડે ખાનપુર તાલુકાના પાંડરવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી.જિલ્લા કલેકટર આર. બી. બારડે તેમની આ મુલાકાત દરમિયાન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું નિરીક્ષણ કરી કેન્દ્રના તબીબ સાથે કેન્દ્રના આધુનિકરણ તથા જરૂરી સાધન-સામગ્રી બાબતે ચર્ચા કરી હતી.
કલેકટરશ્રીએ મુલાકાત દરમિયાન સંબંધિતો સાથે ચર્ચા કર્યા બાદ ત્રણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સીએચએસસીના આધુનિકરણ અને ખૂટતી સાધન-સામગ્રીની જરૂરિયાતનું આયોજન કરી કેન્દ્રવાર આયોજન કરી ત્વરિત મોકલી આપવા સુચવ્યું હતું. કલેકટરઆ મુલાકાત દરમિયાન ખાનપુર તાલુકાના લાયઝન અધિકારી અને મામલતદાર સાથે રહ્યા હતા.