મલેકપુર,
મહીસાગર જિલ્લામાં આવેલા ખાનપુર તાલુકાના નાના ખાનપુર ગામની ચકચારી ઘટનામાં આજે મોટા ખાનપુર ગામના વ્યાપારીઓ દ્વારા બજાર બંધ રાખી પીડિત પરિવારને સમર્થન આપવામાં આવ્યું.
નાના ખાનપુર ગામની 19 વર્ષીય યુવતી ચંદ્રિકાબેન 18 તારીખે કારન્ટા ખાતે ઉર્સના મેળામાં પરિવાર સાથે ગઈ હતી. ત્યાંથી તે ગુમ થયા હતા ત્યારબાદ બે દિવસ બાદ કારન્ટા ગામની મહીસાગર નદીના કિનારેથી કોથળામાં બાંધેલી હાલતમાં ચંદ્રિકાબેનનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યાર બાદ હજી સુધી આરોપીઓ પોલીસ પકડ થી દુર છે. ત્યારે સોશિયલ મીડિયામાં ચંદ્રિકાબેનને ન્યાય આપોના મેસેજો ખૂબ વાયરલ થયા છે અને તેને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. પોલીસ હજી કોઈ કડી મેળવી શકી નથી તો બીજી તરફ પરિવાર દ્વારા મૃતદેહને સ્વીકારવામાં આવ્યો નથી. પરિવારની માંગ છે કે એમની દીકરીને ન્યાય મળે અન તેના કાતિલો વહેલી તકે ઝડપાય મૃતક ચંદ્રિકાબેનને ન્યાય અપાવવાના સમર્થનમાં અનેક સામજિક સંગઠનો આગેવાનો અને ગ્રામજનો આવ્યા છે. ત્યારે આજે મોટા ખાનપુરના વ્યાપારીઓ ગ્રામજનોએ પણ આ દીકરીને ન્યાય અપાવવા મોટા ખાનપુરના બજારો બંધ રાખી સમર્થન નોંધાવ્યું છે. પરિવારજનો તેમજ સામાજિક સંગઠનો દ્વારા આજે મોટા ખાનપુર ખાતેથી રેલી કાઢી ન્યાય આપો ન્યાય આપો હત્યારાઓને ફાંસી આપોના નારાઓ સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું. જે રેલી મોટા ખાનપુરમાં ફરી લુણાવાડા કલેકટર કચેરી ખાતે પહોંચશે ત્યાં ફરી એક વાર પ્રદર્શન કરવામાં આવશે.