લુણાવાડા,ભારતીય રીત રિવાજ મુજબ ખાનપુર તાલુકામાં ચાડિયા પર્વની ઉજવણી ભાઈચારો અને શોર્યની મહેક ફેલાવતી આજે પણ તેની વાસ્તવિક અનુભુતિ સમગ્ર તાલુકાના અને તેની આજુબાજુના ગામડાઓમાં થઈ રહી છે.ગ્રામ્ય વિસ્તારોમાં ઢોલ ત્રાંસા અને શરણાઈના સૂરો ગામઠી લોકગીત અને લોકનૃત્ય સાથે લોકોએ હોળીનું પર્વ મનાવ્યું હતું. હોળીના પર્વ જેટલું મહત્વ અને પુરક ગણાતું ચાડિયા પર્વ અહીંના લોકોમાં અનેરો ઉત્સાહ અને ભાઈચારો તેમજ શુરવીરતાના પ્રતિક સમું છે. આ તહેવાર અમાસ સુધી વિવિધ ગામડાઓમાં ક્રમશ: ઉજવાય છે.જે ઉજવણી દરમિયાન મેળાની અનુભુતિ, નૃત્ય તેમજ ગામઠી ફાગગીતો સાથે વાતાવરણ અનેરૂ આકર્ષણ જમાવે છે. ઢોલ ત્રાંસા અને શરણાઈના સૂરો વચ્ચે ફાગગીતોની રમઝટ બોલાવાય છે.અંદાજે ત્રીસ ફૂટ ઉંચાઈ ધરાવતો લીસા ચાર ફૂટના અંતરે સીધી લીટીમા ત્રણ સ્તંભ ઊભા કરી તેના શિખરે ત્રણ સ્તંભને જોડતો મંચ બનાવી લાકડામાંથી તૈયાર કરાયેલા ચાડિયાનુ પુતળું ગોઠવવામાં આવે છે.યુવાવર્ગ આ સ્તંભ સર કરી ચાડિયા સુધી પહોંચવા મરણીયો પ્રયાસ કરે છે.દરમિયાન ઉપસ્થિત યુવતીઓ યુવાનો ને નાકામયાબ બનાવવા સોટીઓનો વરસાદ વરસાવે છે.બીજી તરફ ઢોલ નગારાનો ગગનભેદી અવાજ અને લોકોની કિકિયારીઓ યુવાનોને જોમ જુસ્સો પુરો પાડે છે.કસોટીમાથી કોઈ એક શુરવીર સમય સુચકતાથી ઉંચાઈએ મંચ ઉપર મુકેલા ચાડિયાને બંધનમાંથી મુકત કરી નીચે ચાડિયા સાથે ઉતરી દોટ મૂકી નજીકના જળાશયમાં પધરાવી તેનું વિસર્જન કરે છે.આમ ચાડિયા પર્વ ની ઉજવણી કરવામાં આવે છે.