ખાનપુર તાલુકાના ગામોનો બાકોર તાલુકા મથક સાથે જોડતી બસ સુવિધાનો અભાવ

બાકોર, મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં ગામડાઓને તાલુકા મથક સાથે જોડતી એસ.ટી.બસ સુવિધાના અભાવના કારણે ખાનગી વાહનચાલકોને ધી કેળા થઈ ગયા છે. તાલુકાની જનતાને તેમજ વિધાર્થીઓને પણ ખાનગી વાહનોમાં મુસાફરી કરવી પડે છે.

ખાનપુર તાલુકા મથક બાકોર ખાતે તાલુકા પંચાયત કચેરી, મામલતદાર કચેરી, પોલીસ સ્ટેશન, જી.ઈ.બી.ઓફિસ, સામુહિક આરોગ્ય કેન્દ્ર, અન્ન પુરવઠા ગોડાઉન, આઈ.ટી.આઈ.,મોડલ સ્કુલ અને વિજ્ઞાનશાળા માટે રોજ અનેક લોકો અને વિધાર્થીઓ ગામડામાંથી આવન જાવન કરે છે. પરંતુ તાલુકાના વિવિધ ગામોને જોડતી બસ સુવિધા વર્ષોથી નહિવત છે. તાલુકાના કાનેસર, ડોલરીયા, કારંટા, ખાનપુર, મુડાવડેખ, ભાદરોડ, બડેસરા, બામરોડા, પાદેડી, ભુવાબાર, ઝેરી, પુંઝેલાવ, જેઠોલા કોરવાઈ, વાવકુવા, દલેલપુરા, મસાદરા, જેવા ગામોને જોડતી એકપણ બસ સેવા નથી. તાલુકા મથક બાકોરને જોડતી એક પણ મેટ્રોલિંગ કે મીની બસ આજદિન સુધી શરૂ કરાઈ નથી. જેથી ગામડાના લોકોને નાછુટકે ખાનગી વાહનોમાં મુસાફરી કરવી પડે છે. તાલુકાના લોકોને અનેક રજુઆતો છતાં આજદિન સુધી બસ સુવિધા શરૂ કરાઈ નથી. જેથી તાલુકાના ગામોને તાલુકા મથક સાથે જોડતી એસ.ટી.બસ સુવિધા શરૂ કરવા માંગ કરાઈ છે.