ખાનપુર, ખાનપુર તાલુકાના વડા ગામથી બામરોડા ગામ સુધીના બિસ્માર માર્ગથી વાહનચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે. આ રોડના સમારકામ અથવા નવો બનાવવા માટે ગ્રામજનોની અવાર નવારની રજુઆતો છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહિ કરાતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
વડાગામથી બામરોડા સુધીના રોડની હાલત અત્યંત બિસ્માર થઈ ગયા છે. રોડ પર ઠેર ઠેર મોટા ખાડા પડી ગયા છે. જેના કારણે આ રોડ પરના ગામોના રહિશો અને વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. દિવસ દરમિયાન પણ આ રોડ પરથી પસાર થવુ અઘરૂ હોઈ રાત્રિના સમયે અંધકારમાં તો આ રોડ પરથી પસાર થવામાં અકસ્માતનો ભય રહેલો છે. રોડ પર પડેલા મોટા ખાડાઓ વાહનચાલકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યા છે.તેમાંય ચોમાસા દરમિયાન રોડ વધુ ધોવાઈ જતા પહેલા કરતા પણ જોખમી બની ગયો છે. જેથી આ રોડ પરથી રોજીંદા પસાર થતાં વાહનચાલકો તોબા પોકારી ગયા છે. આ રોડ પરના ગ્રામજનોએ વારંવાર સ્થાનિક તંત્રમાં રજુઆતો કરી હોવા છતાં તેમની સમસ્યાનુ નિરાકરણ આવ્યુ નથી. જેથી વહેલી તકે આ રોડનુ નવીનીકરણ કરવા ગ્રામજનો દ્વારા ઉગ્ર માંગ કરાઈ છે.