ખાનપુરના કોલંબી ગામે કડાણા જમણા કાંઠાની કેનાલની માઈનોર કેનાલમાં ઝાડી ઝાંખરા અને લીકેજ

મલેકપુર,ખાનપુર તાલુકાના કોલંબી ગામે ખેડુતોને ખેતી વિષયક ખેતી માટે પાણી પહોંચાડતી કડાણા જમણાં કાંઠા મેઈન કેનાલમાંથી જોડાણ આપેલ મિની માઈનોર કેનાલમાં ઝાડી ઝાંખરા અને ઠેકઠેકાણે લીકેજના દ્વશ્યો સામે આવી રહ્યા છે.

કોલંબી પ્રાથમિક શાળાની બાજુમાં આવેલ ખેતરમાં ખેતી વિષયક અંદર ગ્રાઉન્ડ લાઈનમાં મોટા પાયે લીકેજ સર્જાય છે.અને એટલુંજ નહીં માઈનોર કેનાલ (ઢાળીયા)ની ટાંકીઓ પણ તુટી જવાથી આસપાસના ખેતરોમાં પાણી ભરાઇ જઈને પાકને નુક્સાન થવાની ભીતી સેવાઈ રહી છે. ત્યારે આ અંગે સિંચાઇ વિભાગ દ્વારા લીકેજ તથા ઝાડી ઝાંખરા જંગલી વનસ્પતિ દુર કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે. ખાનપુર તાલુકાના કોલંબી ગામના ખેડૂતોના ખેતરો સુધી ખેતી માટે પાણી પહોંચાડવા સિંચાઇ વિભાગ દ્વારા અંદર ગ્રાઉન્ડ લાઈનો તેમજ માઈનોર કેનાલ જેવી સગવડો ખેડૂતો માટે આશીર્વાદરૂપ છે.

પરંતુ છેલ્લા લાંબા સમયથી આ કોલંબી માર્ગની અડકીને અને પ્રાથમિક શાળાની બાજુના ખેતરોમાં આવા લીકેજ તેમજ તુટેલી પાણીની ટાંકીઓના લીધે મોટા જથ્થામાં પાણીનો દુર્વ્યય થતો જોવાઈ રહ્યો છે. તેમજ અહીં જાગ્રુત નાગરિકોના જણાવ્યા અનુસાર રાત્રીના સમયે કેટલાક ખેડૂતો દ્વારા માઈનોર કેનાલના ગેટ બીન જરૂરી વગર ખુલ્લા મુકાતાં મોટા પાયે પાણીનો દુર્વ્યય થઈ રહ્યો છે. જેને કારણે ખેતરોમાં પાકને નુક્સાનની ભીતી સેવાઈ રહી છે. ત્યારે આ અંગે સિંચાઇ વિભાગ દ્વારા કોઈ કર્મચારીને સ્થળ પર હાજર રહી યુધ્ધના ધોરણે આવા લીકેજ થતાં તુટી ગયેલી પાણીની ટાંકીઓની મરામત તેમજ ઝાડી ઝાંખરાની વહેલી તકે સાફ સફાઈ હાથ ધરવામાં આવે તેવી માંગ છે.