બાકોર, મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના વાવ્યો ધાંટી ફળિયા ગામના વૃદ્ધ ખેડુત ઉપર ખેતરમાં વન્ય પ્રાણીએ હિંસક હુમલો કરતા ગંભીર રીતે ધાયલ થયા હતા.
વાવ્યો ધાંટી ફળિયામાં રહેતા સોમાભાઈ હિરાભાઈ ખાંટ(ઉ.વ.60)ખેતરના પાળા પર ઉંધી ગયા હતા. તે દરમિયાન રાત્રિના એક વાગ્યાના અરસામાં તેમના પર અચાનક કોઈ વન્ય પ્રાણીએ હુમલો કરતા તેઓ સફાળા જાગી ગયા હતા. વન્ય પ્રાણીના હુમલાથી તેમને પગમાં અને મોંઢા પર ઈજાઓ થતાં લોહીલુહાણ થઈ ગયા હતા. તેમ છતાં તેઓએ જીવ બચાવવા લાકડી વડે સામનો કરતા વન્યપ્રાણી જંગલ તરફ નાસી ગયુ હતુ. ત્યારબાદ તેઓ ઈજાગ્રસ્ત હાલતમાં જ ધરે પહોંચતા પરિવારજનોએ તેમને લુણાવાડા જનરલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. જયાં પ્રાથમિક સારવાર બાદ તેમને વધુ સારવાર અર્થે ગોધરા રિફર કરાયા હતા. બનાવ અંગે વનવિભાગને જાણ કરાતા વનવિભાગનો સ્ટાફ ધટના સ્થળે દોડી આવ્યો હતો. તેમજ હુમલો કરનાર વન્ય પ્રાણી કયુ હતુ તે બાબતે તપાસ હાથ ધરી ગામના લોકોને સાવચેત રહેવા અપીલ કરી હતી.