ખાનપુર તાલુકાના બોરવઈ કંપા ગામના 200 ખેડુતોની 400 એકર જમીનમાં કરેલો પાક નિષ્ફળ જતાં ખેડુતો ચિંતામાં મુકાયા છે. મહિસાગર જિલ્લામાં સરેરાશ વરસાદ કરતા 31 ટકા વધુ વરસાદ વરસ્યો હતો.
મહિસાગર જિલ્લામાં આ ખેતીની સીઝનમાં 988 મી.મી.વરસાદ વરસ્યો છે. જે જિલ્લાની છેલ્લા 30 વર્ષની સરેરાશ 731 મી.મી.વરસાદ કરતા 257 મી.મી.એટલે કે 31 ટકા વધુ વરસાદ વરસ્યો છે. જિલ્લામાં આવેલ નદી-નાળા છલકાયા છે. કડાણા સહિત તમામ ડેમ સંપુર્ણ ભરાઈ જતાં તબકકાવાર પાણી પણ છોડાયુ હતુ.
વધુ વરસાદ અનેક વિસ્તારોમાં આફત સમાન બન્યો છે. ત્યારે બોરવાઈ કંપામાં ભારે વરસાદ બાદ ખેતરોમાં પાણી ભરાઈ જતાં ખેડુતોને માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો છે. અંદાજે 400 એકર જેટલી જમીનમાં કરેલ અલગ અલગ ખેતી પાક નિષ્ફળ ગયો છે. વરસાદી પાણી અંદાજે 15 દિવસથી ભરાયા છે પરંતુ હજુ કોઈ તંત્રના અધિકારી કે નેતાઓ જોવા સુદ્ધા આવ્યા નથી. રાજસ્થાન સરહદે અડીને આવેલા મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના બોરવાઈ કં5ા ગામમાં 250 ધરની વસ્તી આવેલી છે.
જેમાં અંદાજે 500 એકરમાં સોયાબીન, મકાઈ, મરચા, એરંડા, ધાસચારો, મગફળી જેવા પાકો કરેલા છે. પરંતુ વરસાદના કારણે સતત પાણીમાં રહેવાના કારણે અંદાજે 400 એકરનો ખેતીનો પાક નિષ્ફળ નીવડ્યો છે.જેથી સરકારી અધિકારીઓ ગામમાં તપાસ કરાવે અને સર્વે કરાવી ખેડુતોને સહાય આપે તેવી માંગ ખેડુતો કરી રહ્યા છે.