રાજકોટ, કહેવાય છે કે સોનાને જેટલું તપવીએ તેટલું વધુ સારુ બને. સામાન્ય જીવનમાં પણ સફળતા મેળવવા માટે સંઘર્ષ અનિવાર્ય છે. ગુજરાતીમાં તો આપણે કહીએ પણ છીએ કે સિદ્ધિ તેને જઈ વરે, જે પરસેવે નહાય. એટલે કે મહેનતનો કોઈ બીજો વિકલ્પ નથી. રાજકોટના સુજલ દેવાણીએ આ વાતને સાબિત કરી બતાવી છે. આજકાલ બોર્ડની પરીક્ષાનો જે હાઉ ઉભો થયો છે, બાળકોને સારા પરિણામ માટે માતા-પિતા કોઈ જ કચાશ રાખતા નથી, ત્યારે રાજકોટના સુજલ દેવાણીએ માત્ર ત્રણ કલાકના રોજના વાંચન સાથે બોર્ડમાં ૯૮.૭૭ પર્સેન્ટલાઈલ અને ૯૦ ટકા મેળવ્યા છે.
હજી આ તો માત્ર શરૂઆત છે. જો તમે સુજલના સંઘર્ષની વાત જાણશો, તો તમારું મોઢું પણ આશ્ર્ચર્યથી ખુલ્લુ રહી જશે. સુજલ દેવાણીના પિતા મનીષભાઈ દેવાણી રાજકોટમાં ખાણીપીણીની લારી ચલાવી રહ્યા છે. ફૂટપાથ પર નાનકડી રેંકડી ચલાવતા મનીષભાઈની આથક સ્થિતિની તમે કલ્પના કરી શકો છો. જો કે મનીષભાઈ અને તેમના પરિવારે સુજલને મહેનત કરવામાં કોઈ કચાશ આવવા દીધી નથી. સુજલ પણ પોતાના પરિવારનો આભાર માની રહ્યો છે. સુજલ દેવાણીનું કહેવું છે કે,’મારા માતા-પિતાએ ભણવા માટે મને અલગ રૂમની વ્યવસ્થા કરી આપી છે. હું રોજ શાળામાં છ કલાક યાન આપતો અને ઘરે રોજ માત્ર ૩ કલાક જ અભ્યાસ કરતો હતો.’ રોજ માત્ર ત્રણ કલાકના અભ્યાસ છતાંય, સુજલે જબરજસ્ત પરિણામ હાંસલ કર્યું છે.
સુજલના પિતા મનીષભાઈ રોજ રાત્રે બસ સ્ટેન્ડની પાછળ ખાણીપીણીની રેંકડી લગાવે છે. આજે પુત્રએ ૯૦ ટકા મેળવતા આખો દેવાણી પરિવાર ખુશીથી ઝૂમી ઉઠ્યો છે. સુજલના પિતા મનીષભાઈનું કહેવું છે કે,’અમારી આથક સ્થિતિ પહેલા સાવ નબળી હતી. પરંતુ દીકરાને અમારા જેવો સંઘર્ષ ન કરવો પડે, તે માટે અમે ખૂબ મહેનત કરી છે. તેને ભણાવવા પર યાન આપીએ છીએ. સુજલની સફળતા પાછળ તેની મમ્મીની મહેનત અને કાકાનું માર્ગદર્શન છે.’
બીજી તરફ હવે સુજલનું સ્વપ્ન યુપીએસસી ક્રેક કરવાનું છે. સુજલ યુપીએસસીની અઘરી ગણાતી પરીક્ષા પાસ કરીને આઈએએસ બની દેશસેવા કરવા ઈચ્છી રહ્યો છે. સંઘર્ષની આગમાં તપીને પણ સોળે કળાએ ખીલી ઉઠતા આવા વિદ્યાર્થીઓ આપણા સૌ માટે પ્રેરણા સમાન છે. સુજલને વીટીવી તરફથી ઉજ્જવળ ભવિષ્ય માટે ઓલ ધી બેસ્ટ