ખાનગી ટેલિકોમ કંપનીઓને ઉઘાડેછોગ લૂંટનો પરવાનો આપતી સરકાર: કોંગ્રેસ

અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના મહાસચિવ રણદીપ સુરજેવાલાએ જણાવ્યું હતું કે સરકારે ખાનગી ટેલિકોમ કંપનીઓને ભાવવધારાની છૂટ આપતા તે વર્ષે ગ્રાહકોના ખિસ્સામાંથી રૂ. ૩૪,૮૨૪ કરોડ રૂપિયા સેરવી લેશે. આમ મોંઘવારીના મારમાં પીસાતી પ્રજાને વધુ એક ફટકો સરકારે માર્યો છે.

સુરજેવાલાએ જણાવ્યું હતું કે રિલાયન્સ જિયોએ ૨૦ ટકા વધારો કરતાં તે લોકો પાસેથી વર્ષે રૂ. ૧૭,૫૬૮ કરોડ વસૂલી લેશે. જ્યારે એરટેલે તેના ભાવમાં ૧૫ ટકા વધારો કરતાં તે લોકો પાસેથી વર્ષે રૂ. ૧૦,૭૦૪ કરોડ વસૂલશે, જ્યારે વોડાફોન આઇડિયાએ તેના ભાવમાં ૧૬ ટકા વધારો કરતાં તે લોકો પાસેથી વર્ષે રૂ. ૬,૫૫૨ કરોડ વસૂલી શકશે.

કોંગ્રેસે સવાલ પૂછ્યો હતો કે મોદી સરકારે ખાનગી કંપનીઓને કયા આધારે આ ભાવવધારો કરવા દેવાની છૂટ આપી હતી. શું મોદી સરકાર અને ટ્રાઈની ૧૦૯ કરોડ સ્માર્ટફોન યુઝર્સ અંગે કોઈ જવાબદારી બનતી નથી. મોદી સરકાર શા માટે ખાનગી કંપનીઓના ભાવવધારા સામે આંખો મીચી રહી છે.

સરકારે ચૂંટણી પૂરી થયાના સત્તા મળ્યાને મહિનો પણ માંડ થયો છે ત્યારે ખાનગી કંપનીઓને રીતસરનો લોકોને લૂંટવાનો પરવાનો આપી દીધો છે. સીએનજીના ભાવ વયા છે, પીએનજીનો ભાવવધારો તોળાઈ રહ્યો છે.

શાકભાજીથી લઈને બધી દાળો બધું પ્રતિ કિલો ૧૦૦ રૂપિયાને વટાવી ગયું છે કે તેની આસપાસ છે. આટલું ઓછું હોય તેમ હવે સરકારે ખાનગી ટેલિકોમ કંપનીઓને પણ ઉઘાડેછોગ લૂંટ કરવાની મંજૂરી આપતા તેઓએ પણ વધારો ઝીંક્યો હોવાનો આરોપ કોંગ્રેસ મૂક્યો હતો.