પાટણ, પાટણની ખાનગી શાળાના એક શિક્ષકને વિદ્યાર્થીની સાથેના લંપટવેડા મોંઘા પડી ગયા છે. તેના લીધે તેને લોકોએ મારવા લીધો છે. શિક્ષકે પેપર તપાસવા માટે પોતાની જ શાળાની એક વિદ્યાર્થીનીને ઘરે બોલાવી હતી. તેને અણછાજતો સ્પર્શ કર્યો હતો, તેના પછી તેની સાથે બળજબરી કરવાનો પ્રયત્ન કરતા વિદ્યાર્થીની ગભરાઈ ગઈ હતી.
વિદ્યાર્થીની ભાગી છૂટી હતી અને તેણે અન્ય લોકો તથા માતાપિતાને આ અંગે જાણ કરી હતી. તેના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી અને લોકોએ લંપટ શિક્ષકને બરોબરનો મારવા લીધો હતો. તેના પછી પોલીસ શિક્ષકને પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી. પોલીસે પીડિત વિદ્યાર્થીનીનું નિવેદન લઈ વધુ તપાસ હાથ ધરી છે.
વિદ્યાર્થીનીએ આ મામલે દાખલ કરેલી ફરિયાદ મુજબ પાટણની એક શાળામાં ફરજ બજાવતા વ્યાયામ શિક્ષક રણજીત ચૌધરીએ વિદ્યાર્થીનીને રવિવારે રજાના દિવસે શાળાના પેપરો તપાસવાના બ્હાને મેસેજ કરીને બોલાવી હતી. જોકે વિદ્યાર્થીના માતાએ પોતાની દીકરીને તમારે ત્યાં નહીં આવે પેપર તપાસવા હોય તો ઘરે આપો એમ કહેતા શિક્ષકે વિદ્યાર્થીને પેપર ઘરે લઈ જવા માટે આનંદ સરોવર આગળ બોલાવી હતી. વિદ્યાર્તીની મોબાઇલ ફોન લઈને આનંદ સરોવર ખાતે આવી હતી. શિક્ષક ત્યાંથી પેપર ઘરે પડ્યા હોય તેમ જણાવી તેને ઘરે લઈ ગયો હતો.
ઘરે શિક્ષક વિદ્યાર્થીને પોતાના રૂમમા બેસાડીને પેપર ચેક કેમ કરવે તે બતાવતા બતાવતા વિદ્યાર્થીનીના અંગો સાથે હાથચાલાકી કરવા માંડ્યો હતો. શિક્ષકનો ઇરાદો પારખી ગયેલી વિદ્યાર્થીનીએ તરત જ હાથ છોડાવી બજારમાં આવી ગઈ હતી. તેણે પોતાની બહેનપણીને બધી વિગત જણાવી હતી. તેના પછી વિદ્યાર્થીનીએ માબાપને જાણ કરી હતી. શિક્ષકને પણ બજારમાં બોલાવવામાં આવતા હંગામો મચ્યો હતો અને તેને જાહેરમાં જ મેથીપાક આપવામાં આવ્યો હતો. પછી તેને પોલીસના હવાલે કરાયો હતો.