દાહોદ, લોક્સભાની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે. રાજ્યની તમામ બોર્ડર પર સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ગુજરાત મધ્યપ્રદેશ ઇન્ટીગ્રેટેડ સયુંક્ત પોસ્ટ પર એફએસટી એસએસટી તેમજ ઝાબુવા પોલીસની સંયુક્ત ચેકિંગ દરમિયાન રાજકોટથી ઈન્દોર તરફ જતી ખાનગી લક્ઝરી બસમાંથી ૨૭ લાખ ઉપરાંત કિંમતની ૭૨ kg જેટલા ચાંદીના દાગીના ચેકિંગ કરનાર ટીમને મળી આવ્યા છે. જણાવી દઈએ કે, આ ઘટનાને લઈને ઝાબુઆ પોલીસે લક્ઝરી બસના ચાલકના નિવેદનના આધારે ચાંદીના દાગીના જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે.
બનાવની વિગતો જોઈએ તો, ગુજરાત મયપ્રદેશને જોડતી પિટોલ ચેકપોસ્ટ પર ગતરોજ જાબવા પોલીસ અધિક્ષક પદ્મવિલોચન શુક્લ, તેમજ કલેકટર નેહા મીણાના નિર્દેશનમાં એફએસટી એસએસટી તેમજ સ્થાનિક પોલીસ અવરજવર કરતા વાહનોની ચેકિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન રાત્રિના ત્રણ વાગ્યાના આસપાસ રાજકોટથી આવતી અને ઈન્દોર તરફ જતી જીજે-૦૩-બીવી-૨૬૨૬ નંબરની મહીસાગર લક્ઝરી બસને રોકી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.તપાસ દરમિયાન લક્ઝરી બસની ડિક્કીમાં કંતાનના બોરામાંથી ચાંદીના દાગીના મળી આવતા ઉપરોક્ત ટીમો પણ ચોકી ગઇ હતી.
આ ઘટના બાબતે સંબંધિત વિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. તમામ મુદ્દામાલની ગણતરી કરતા આખરે બે કલાકની જહેમત બાદ ગણતરીના અંતે ૨૭.૫૬ લાખ ઉપરાંત કિંમતની ૭૨ કિલો ચાંદી મળી હતી. પોલીસે લક્ઝરી બસના ડ્રાઈવર અરશીભાઈ સવદાસ આહીરની પૂછપરછ કરી હતી.પૂછપરછ કરતા ચાલકે જણાવ્યું હતું કે, આ ચાંદીના દાગીના રાજકોટના એક વેપારીએ ઇન્દોરના કોઈ વેપારી માટે મોકલ્યા હતા. જે અંગે જણાવતા પોલીસે ઉપરોક્ત મુદ્દામાલ જપ્ત કરી આગળની વધુ તપાસ કરી છે.
અત્રે ઉલ્લેખનીખ છે કે, આ અગાઉ પણ ચેકપોસ્ટ પર ચેકિંગ દરમિયાન ઉજજૈનથી રાજકોટ તરફ જતી લક્ઝરી બસમાંથી એક કરોડ ઉપરાંતની રોકડ રકમ તેમજ ચાંદીના દાગીના બિનવારસી રીતે મળી આવ્યા હતા. જે પોલીસે જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી.