કર્ણાટક સરકાર ખાનગી ક્ષેત્રમાં અનામત લાગુ કરવાના પોતાના પગલાને રોકવા જે રીતે વિવશ થઈ તેનાથી સ્પષ્ટ છે કે ક્ષેત્રીયતાની રાજનીતિને બળ આપનારી તેની પહેલનો વ્યાપક વિરોધ રંગ લાવ્યો. આ વિરોધ ખાનગી ક્ષેત્રની કંપનીઓની સાથે જાણીતા કારોબારીઓએ પણ કર્યો. તેમાં રાજ્ય સ્થિત આઇટી કંપનીઓ પણ છે, જેમાં બીજા રાજ્યોના અનેક લોકો કામ કરે છે. હાલમાં કર્ણાટક સરકારે એટલું જ કહ્યું છેકે તે ખાનગી ક્ષેત્રે અનામત લાગુ કરવાના પોતાના નિર્ણય પર ફરીથી વિચાર કરશે, એટલે એમ ન કહી શકાય કે તેણે આ વિચાર પડતો મૂક્યો છે.
ક્ષેત્રીયતાની રાજનીતિને વિસ્તાર આપતાં કર્ણાટક સરકારે ખાનગી ક્ષેત્રમાં અનામતની વ્યવસ્થા માટે જે ખરડાને સ્વીકૃતિ આપી હતી તે અંતર્ગત ખાનગી કંપનીઓમાં મેનેજમેન્ટ પદોમાં ૫૦ ટકા અને બિન-મેનેજમેન્ટ પદોમાં ૭૦ ટકા પદો રાજ્યના લોકો માટે આરિક્ષત રાખવાનાં હતાં. પ્રસ્તાવિત ખરડાની જોગવાઇઓમાં એ પણ હતું કે અનામતના આ નિયમનું ઉલ્લંઘન કરનારાઓ પર ૨૫ હજાર રૂપિયા દંડ લાગશે અને જો કોઈ કંપની યોગ્ય અભ્યર્થી ન મળવાની સ્થિતિમાં બીજા રાજ્યોના કોઈ વ્યક્તિને નોકરી આપશે તો એવું કરતાં પહેલાં તેણે રાજ્ય સરકારની અનુમતિ લેવી પડશે.
એ નક્કી છે કે આવી જોગવાઇ ખાનગી ક્ષેત્રને હતોત્સાહિત કરવા અને સાથે જ તેના કામકાજમાં નોકરશાહીની બિનજરૂરી દખલ વધારવાનું જ કામ કરશે. ક્ષેત્રીયતાના આધાર પર ખાનગી ક્ષેત્રમાં અનામતની આ તૈયારી પ્રતિભાઓની અવગણના જ છે અને બંધારણે આપેલ સમાનતાના અધિકારોની ઉપેક્ષા પણ ગણાય.
વિચિત્ર એ છે કે કોંગ્રેસ આમ તો બંધારણ બચાવવાનો દાવો કરી રહી છે, ત્યારે જ તેની કર્ણાટક સરકારે તેના મૂળ અધિકારોની અવગણના કરતું પગલું ઉઠાવ્યું છે. કર્ણાટકનો આ નિર્ણય વોટબેંકની સસ્તી રાજનીતિથી પ્રેરિત છે અને તેનો ઉદ્દેશ્ય ક્ષેત્રીયતાને ઉત્તેજન આપવાનો પણ છે. કન્નડ ભાષાને ઉત્તેજન આપવાના નામે આ કામ પહેલાંથી જ થઈ રહ્યું છે. કર્ણાટક સરકારની ખાનગી ક્ષેત્રમાં અનામત પ્રદાન કરવાની પહેલે એ જ દર્શાવ્યું કે રાજ્ય સરકારે કઈ રીતે તથ્યની અવગણના કરી કે બીજા કેટલાય રાજ્યોમાં આવી પહેલ થઈ તેને ન્યાયપાલિકાની સ્વીકૃતિ નથી મળી શકી.
એ સંભવ નથી કે કર્ણાટક સરકાર તેનાથી વાકેફ ન હોય કે ભૂતકાળમાં ખાનગી ક્ષેત્રમાં અનામત આપવાનાં જે પગલાં અન્ય રાજ્ય સરકારોએ ઉઠાવ્યાં, તેમને અદાલતોએ ગેરબંધારણીય ગણાવી દીધાં હતાં. આશ્ર્ચર્ય નહીં કે કર્ણાટક સરકારે ખાનગી ક્ષેત્રમાં અનામત આપવાની પહેલ એ જાણવા છતાં પણ કરી હોય કે ન્યાયપાલિકા તેની અનુમતિ નહીં આપે. જે પણ હોય, કર્ણાટક સરકારના અટલે નિર્ણયથી એ પણ સ્પષ્ટ છે કે તેની દિલચસ્પી રોજગારના નવા અવસર પેદા કરવામાં નથી.
વાસ્તવમાં કર્ણાટક રાજ્ય પ્રાદેશિક્તાની રાજનીતિને પૂરી કરવા માટે કાયદો બનાવવા જઈ રહ્યું છે એટલે આ ખરડાની સમીક્ષા અવશ્ય થવી જોઇએ. જો સ્થાનિક લોકોને ખુશ કરવા માટે આવા કાયદા બનાવાય તો પછી દરેક રાજ્યો એવો કાયદો બનાવી લેશે અને એનાથી પ્રતિભાને અન્યાય થશે અને દેશને ભારે નુક્સાન થશે.