ખાનગીકરણના વિરોધમાં આગામી 2 દિવસ બેંકોની હડતાળ, ગુજરાતમાં 5,000 બેંક બ્રાન્ચો રહેશે બંધ

ખાનગીકરણના વિરોધમાં કર્મચારી સંગઠનોના રાષ્ટ્રવ્યાપી હડતાળને લઇને સોમવાર અને મંગળવારે દેશભરમાં બેંકિંગ સેવાઓને અસર થઇ શકે છે.

  • આજથી 2 દિવસ રાષ્ટ્રીયકૃત બેન્કની હડતાળ
  • ખાનગીકરણના વિરોધમાં હડતાળ
  • ગુજરાતમાં 5,000 બેન્ક બ્રાન્ચો બંધ રહેશે

આજથી બે દિવસ રાષ્ટ્રીયકૃત બેન્ક કર્મચારીઓ હડતાળ કરશે. યુનાઈટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન દ્વારા હડતાલનું એલાન કરવામાં આવ્યું છે. જેમાં મહાગુજરાત બેન્ક એમ્પ્લોઈઝ એસોસિએશન પણ હડતાળમાં જોડાશે. હડતાળમાં દેશમાંથી 10 લાખ જેટલા બેન્ક કર્મચારીઓ જોડાવાની શક્યતા જોવાઈ રહી છે. રાજ્યમાં પણ આશરે 60 હજાર જેટલા બેન્ક કર્મચારીઓ હડતાળમાં જોડાવાની શક્યતા છે.

ગુજરાતમાં 5,000 બેન્ક બ્રાન્ચો બંધ રહેશે

ઉલ્લેખનીય છે કે હડતાળને પગલે ગુજરાતમાં 5 હજાર જેટલી બેન્ક બ્રાન્ચો બંધ રહેશે તથા રૂ.20 હજાર કરોડના બેન્ક ટ્રાન્ઝેક્શન અટકી જશે. મહત્વપૂર્ણ છે કે સરકારના બેન્કોના ખાનગીકરણના નિર્ણયને પગલે આ હડતાળ કરવામાં આવી છે. બેન્કોના ખાનગીકરણથી જનતાની ડિપોઝિટ પર જોખમ હોવાનો દાવો બેન્કર્સ કરી રહ્યા છે.

યુનાઇટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયનનું એલાન

UFBUના સભ્યોમાં ઑલ ઇન્ડિયા બેંક એમ્પ્લાઇઝ એસોસિએશન(AIBEA), ઑલ ઇન્ડિયા બેંક ઑફિસર્સ કન્ફેડરેશન(AIBOC), નેશનલ કૉન્ફેડરેશન ઑફ બેંક ઇમ્પ્લૉઇઝ(NCBE), ઑલ ઇન્ડિયા ઑફિસર્સ એસોસિએશન (AIBOA) અને બેંક એમ્પ્લૉઇઝ કન્ફેડરેશન ઑફ ઇન્ડિયા (BICI) સહિત સામેલ છે.

ઇન્ડિયન નેશનલ બેન્ક એમ્પ્લાઇઝ ફેડરેશન, ઇન્ડિયન નેશનલ બેંક ઓફીસર્સ કોંગ્રેસ, નેશનલ ઓર્ગેનાઇઝેશન ઓફ બેંક વર્કર્સ અને નેશન ઓર્ગેનાઇઝેશન ઓફ બેંક ઓફીસર્સ પણ હડતાળમાં સામેલ છે.