- મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની પત્ની અમૃતા ફડણવીસને રૂ .એક કરોડ રૃપિયાની લાંચ આપવાનો પ્રયાસ અને બ્લેકમેલ કરવાના મામલો.
મુંબઈ,
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની પત્ની અમૃતા ફડણવીસને રૂ .એક કરોડ રૃપિયાની લાંચ આપવાનો પ્રયાસ અને બ્લેકમેલ કરવાના મામલામાં કુખ્યાત ક્રિકેટ બુકી અનિલ જયસિંઘાણીને મુંબઈની કોર્ટમાં હાજર કરવામાં આવતાં ૨૭ માર્ચ સુધીની પોલીસ કસ્ટડી આપવામાં આવી છે. જયસિંઘાણીની પુત્રી અનિક્ષાની પોલીસ કસ્ટડી પણ કોર્ટે ૨૪ માર્ચ સુધી લંબાવી છે. નાયબ સીએમના પરિવારને ફસાવવાના કાવતરાંમાં અન્ય કોણ કોણ સામેલ છે તેની વિગતો મેળવાય તેવી સંભાવના છે.
ઘણા વર્ષોથી નાસતા ફરતા અનિલ જયસિંઘાણીને પકડી પાડવા ખાસ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તેને એડિશનલ સેશન્સ જજ ડી. ડી. અલમાલે સમક્ષ હાજર કરવામાં આવ્યો હતો. ગુજરાતના ગોધરા ખાતેથી જયસિંઘાણીની ધરપકડ કરવામાં આવી હતી. ૭૨ કલાક ૭૫૦ કિ.મીનો પીછો કર્યા બાદ રવિવારની રાત્રે ગુજરાતના કલોલમાં આંતરવામાં આવ્યો હતો. ૫૬ વર્ષના જયસિંઘાણીને ગુજરાત પોલીસે ક્રાઈમ બ્રાંચ સાથેના સંયુક્ત ’ઓપરેશનએ જે ’માં પકડી પાડયો હતો. મુંબઈ લાવીને તેને મલબાર હિલ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો.
અમૃતા ફડણવીસને ધમકી આપીને રૂ .એક કરોડની ઓફર કરવાના કેસમાં મુંબઈ પોલીસે ગુરુવારે ઉલ્હાસનગરમાંથી પુત્રી અનિક્ષા જયસિંઘાણીની ધરપકડ કરી હતી.તેને શુક્રવારે કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી.કોર્ટે ૨૧ માર્ચ સુધી પોલીસ કસ્ટડી આપી હતી.કસ્ટડી આજે પૂરી થાં તેને પણ આજે કોર્ટમાં હાજર કરવામાં અવાતાં તેની કસ્ટડી ૨૪ માર્ચ સુધી લંબાવાઈ હતી. બંને સામે ગુનાહિત કાવતરું અને ખંડણી તથા ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસ પાસે માહિતી હતી કે જયસિંઘાણી ઇન્ટરનેટનો ઉપયોગ કરીને ઘણા લોકોના સંપર્કમાં હતો. તે જે મોબાઈલ ફોનનો ઉપયોગ કરતો હતો અને અન્ય કેટલીક ટેકનિકલ વસ્તુઓ પોલીસે કબજે કરી લીધી છે. તે કયા રાજકીય નેતાઓ અને પોલીસ અધિકારીઓના સંપર્કમાં હતો તેની માહિતી મેળવવાનું કામ ચાલુ છે. જયસિંઘાણી ૧૩ માર્ચે મહારાષ્ટ્રના શિરડીમાં હતો.પોલીસને એવી માહિતી મળી હતી કે તે ૧૪ માર્ચના રોજ શિરડીથી ગુજરાતના બારડોલી જવા નીકળ્યો હતો. જયસિંઘાણી પકડવા માટે સ્થાનિક પોલીસની મદદ લેવામાં આવી હતી. આરોપી ૭૨ કલાક સુધી ગુજરાતમાં પોલીસથી બચી રહ્યો હતો.
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના સાયબર સેલે રવિવારે રાત્રે ૧૧-૪૫ વાગ્યે ગુજરાતના ગોધરા પાસેથી તેની ધરપકડ કરી હતી. તેની સાથે તેના સંબંધી અને ડ્રાઈવરની પણ ધરપકડ કરવામાં આવી છે અને કાર જપ્ત કરવામાં આવી છે. તેની સાથે અલગ-અલગ કંપનીઓના ઉપકરણો અને ઈન્ટરનેટ વાપરવા માટેની વિવિધ સામગ્રી પણ જપ્ત કરવામાં આવી છે. તેણે અગાઉ બારડોલી સહિત ત્રણ જગ્યાએ પોલીસને હાથ તાળી આપી હતી. જોકે, વડોદરાથી ગોધરા જતી વખતે કાલોલ પાસેથી તે પકડાઈ ગયો હતો.
આરોપી જયસિંઘાણી વિરુદ્ધ પાંચ રાજ્યોમાં આશરે ૧૫ કેસ નોંધાયેલા હતા.તે ટેકનિકલ બાબતને આધારે પોતાની ઓળખ છુપાવીને રહેતો હતો.પોલીસની પાંચ ટીમ તેને પકડવા કામ કરી રહી હતી.પોલીસની ત્રણ ટીમો ગુજરાત રાજ્યમાં મોકલવામાં આવી હતી અને બે ટીમ મહારાષ્ટ્રમાં કામ કરી રહી હતી.