ખાનપુરના બાકોર ગામે હોટલ પાસે કારમાંથી 3 લાખનો ઈંગ્લીશ દારૂ ઝડપ્યો

લુણાવાડા,

મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના બાકોર ગામે કલેશ્ર્વરી હોટલ પાસેથી વિદેશી દારૂની હેરાફેરી કરી રહેલી કારને પોલીસે ઝડપી પાડી હતી. પોલીસે રૂ.3,00,045/-નો વિદેશી દારૂ અને કાર જપ્ત કરી હતી. કારનો ચાલક અંધારાનો લાભ લઈ કાર મુકી નાસી ગયો હતો.

બાકોર ગામેથી બાબલીયા તરફ જતા માર્ગ પર એક સફેદ રંગની ટાટા હેરીયર કારમાં વિદેશી દારૂ લાવવામાં આવી રહ્યો હોવાની બાતમીના આધારે પેટ્રોલિંગ કરી રહેલી બાકોર પોલીસે બાબલીયા ચોકડી નજીક વોચ ગોઠવી હતી. પોલીસને જોઈ કારના ચાલકે કાર બાકોર તરફ પાછી વાળી દેતા પોલીસે કારનો પીછો કરી બાકોર હાઈસ્કુલ ચોકડી કલેશ્વરી હોટલ નજીક રોડની વચ્ચે જેસીબી તથા ટ્રેકટર આડુ કરી રસ્તો બંધ કરી દેતા કાર ચાલક અંધારાનો લાભ લઈ ગાડી મુકી નાસી ગયો હતો. પોલીસે કારની તલાશી લેતા તેમાંથી બિયરના કુલ 385 ટીન મળી આવ્યા હતા. પોલીસે રૂ.3,00,045/-નો બિયરનો જથ્થો અને રૂ.22,00,000/-ની કાર મળી કુલ 25,00,045/-નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસને કારમાંથી ડોકયુમેન્ટ અને આધારકાર્ડ મળી આવ્યા હતા. જેમાં ગાડીના માલિક રાવતારામ પુરખારામ(રહે.કિશનલાલ રઘુનાથની ચાલી, ચમનપુરા, અમદાવાદ)તેમજ તેમના આધારકાર્ડમાં સરનામુ પાદરડી ખુર્દ બાડમેર સિંધાસાવા હરનીયા, રાજસ્થાન હોવાનુ જણાતા પોલીસે રાવતરામ વિરુદ્ધ ગુનો નોંધી આગળ કાર્યવાહી હાથ ધરી હતી.