ખંભાત તાલુકાના નગરા ગામે ઊંડી સીમ વિસ્તારની એક પંદર વર્ષીય સગીરાને અવારનવાર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવનાર યુવકને ખંભાત ગ્રામ્ય પોલીસે ઝડપી પાડી પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેને જેલ હવાલે કરવા હુકમ કર્યો હતો.ખંભાતના નગરા ગામના ઊંડી સીમ વિસ્તારમાં રહેતા ચેતન પ્રવિણભાઈ મકવાણાએ એક પંદર વર્ષીય સગીરાને આશરે બે માસ અગાઉ પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી.
બાદમાં યુવક તેણી ઉપર અવારનવાર દુષ્કર્મ ગુજારતો હતો જેને પગલે સગીરા ગર્ભવતી થઈ ગઈ હતી. ત્યાર બાદ ગર્ભ રહી ગયાની જાણ થતાં સગીરાને ગોળી આપી ગર્ભપાત કરાવ્યો હતો. આ સમગ્ર ઘટનાની જાણ સગીરાની માતાને થતા તેણીએ ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.જેથી ખંભાત ગ્રામ્ય પોલીસે ચેતન પ્રવિણભાઈ મકવાણા વિરૂદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તેને ઝડપી પાડયો હતો. બાદમાં તેને ખંભાતની કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તેને જેલ હવાલે કરવા હુકમ ફરમાવ્યો હતો. જેથી ખંભાત ગ્રામ્ય પોલીસે સગીરાને પ્રેમજાળમાં ફસાવી ગર્ભવતી બનાવનાર યુવકને જેલમાં ધકેલી દીધો હતો.