ખંભાળિયા, લોકોની સુગમતા માટે બનાવવામાં આવેલા રસ્તા જ્યારે બેફામપણાના લીધે બીજા માટે મોતનો માર્ગ બની જાય છે. જામનગર અને ખંભાળિયા હાઇવે જાણે મોતનો માર્ગ બની ગયો છે. જામનગર-ખંભાળિયા હાઇવે પર કારચાલકે રસ્તો ક્રોસ કરતી માતા અને દીકરીને હડફેટે લેતા બંનેના મોત નીપજ્યા છે. બંને ભરાણા ગામના રહેવાસી હતા. અકસ્માતના લીધે બંનેના ઘટનાસ્થળે મોત થયા છે.
હાઇવે પર બેફામ રીતે કાર ચલાવતા કારચાલકે ભરાણા ગામના ૩૨ વર્ષીય હીનાબા જાડેજા અને નવ વર્ષીય કૃપાબા જાડેજાને કચડી નાખ્યા હતા. કજૂરડા પાટિયા પાસે કારચાલકે ગફલતભરી રીતે કાર ચલાવીને તેમનો જીવ લીધો હતો. તેના કારણે માતાપુત્રીના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત થયા હતા. માતાપુત્રીના મોતના લીધે સમગ્ર ગામમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે.
રાજ્યમાં બનતી અકસ્માતની જીવલેણ ઘટનાઓ દર્શાવે છે કે વાહનચાલકો કેવા બેફામ છે. આ અકસ્માત સર્જનારાઓ તો તેમની ભૂલ થઈ અને વીમો આપી છૂટી જશે, પરંતુ જેના કુટુંબીઓએ જીવનનો આધાર ગુમાવ્યો તેમનું શું થશે.
વાસ્તવમાં દરેક અકસ્માત સર્જનાર વાહન ચાલકના માથા પર તેના લીધે જેનું મોત થયું હોય તેના કુટુંબની આખી જવાબદારી કાયમ માટે સુપ્રદ કરવામાં આવે ત્યારે જ આ સમસ્યાનો ઉકેલ આવશે. બે-ચાર લાખ રૂપિયાના વળતરમાં કોઈનું દળદર નહીં ફીટે. જ્યાં સુધી અકસ્માત સર્જનારના માથા પર તેના લીધે મૃત્યુ પામનારના કુટુંબની સમગ્ર જવાબદારી નહીં આવે ત્યાં સુધી આ સિલસિલો નહીં અટકે.