- આ વખતે ધારાસભ્ય બદલીને કમળ પસંદ કરો એટલે વિકાસના કામ અનેકગણી સ્પીડમાં આગળ વધે.
દ્વારકા,
ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ભાજપ, કૉંગ્રેસ અને આપ સહિતની પાર્ટીઓએ પોતાના સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે ભાજપના પ્રચાર માટે દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સભા સંબોધી. આ દરમિયાન અમિત શાહે કોંગ્રેસને આડે હાથ લીધી હતી. તેમણે જણાવ્યુ કે, કોંગ્રેસવાળા બોર્ડ લગાવે છે કે કોંગ્રેસનું કામ બોલે છે, પણ તેઓ ૧૯૯૦થી સત્તામાં જ નથી તો પછી તેમણે કેવી રીતે કામ કર્યું હોઇ શકે.
ખંભાળિયામાં જંગી જનસભાને સંબોધતા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું તમે સાંસદ તો બરાબર ચૂંટ્યા છે. પરંતુ ધારાસભ્ય ખાટલે મોટી ખોટ જેવા છે. આ વખતે ધારાસભ્ય બદલીને કમળ પસંદ કરો એટલે વિકાસના કામ અનેકગણી સ્પીડમાં આગળ વધે. સાંસદ પૂનમ માડમ કેન્દ્ર સરકારના સહયોગથી વિકાસના અનેક કામ કરે છે. ખંભાળિયામાં પીવાના પાણી, રસ્તા, લાઈટ સહિતની સુવિધાઓ સાંસદ પૂનમ માડમે રસ લઈને વિક્સાવી હોવાનો અમિત શાહે દાવો કર્યો.
મહત્વનું છે કે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના દિવસો જેમ નજીક આવી રહ્યા છે. તેમ વિવિધ રાજકીય પક્ષોના દિગ્ગજો ગુજરાતમાં પૂરજોશમાં પ્રચારમાં લાગ્યા છે. અમિત શાહ પણ ગુજરાતના અનેક વિસ્તારમાં પ્રચારના કામે લાગ્યા છે. તો બીજી તરફ વડાપ્રધાન મોદી પણ છેલ્લા બે દિવસથી ગુજરાતમાં સભાઓ ગજવી રહ્યા છે.