
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટૂડો પોતાના એક પગલાને કારણે પોતાના જ લોકો વચ્ચે મુશ્કેલીમાં છે. લોકો ટૂડોને ખાલિસ્તાનીઓના સમર્થક ગણાવી રહ્યા છે. હકીક્તમાં કેનેડાના વડાપ્રધાને ખાલિસ્તાની આતંકવાદી હરજીત સિંહ નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણીની આશંકા વ્યક્ત કરી છે.એટલું જ નહીં ત્યાર બાદ તેમણે એક ટોચના ભારતીય રાજદ્વારીને પણ હાંકી કાઢ્યા હતા.
હરજીત સિંહ નિજ્જર ખાલિસ્તાની આતંકવાદી હતો. બ્રિટિશ કોલંબિયામાં ૧૮ જૂન ૨૦૨૩ના રોજ તેની હત્યા કરવામાં આવી હતી. અહેવાલ મુજબ, કેનેડાના પીએમએ સોમવારે સંસદમાં કહ્યું હતું કે શીખ નેતા હરદીપ સિંહ નિજ્જરને ૧૮ જૂનના રોજ બ્રિટિશ કોલંબિયાના સરેમાં શીખ સાંસ્કૃતિક કેન્દ્રની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. દેશની ગુપ્તચર એજન્સી આ અંગે તપાસ કરી રહી છે. તેણે આ હત્યામાં ભારતીય કનેક્શનની આશંકા વ્યક્ત કરી છે.
ટૂડોએ વધુમાં જણાવ્યું હતું કે, મેં ગયા અઠવાડિયે G20 સમિટમાં મારા ભારતીય સમકક્ષ નરેન્દ્ર મોદી સાથે આ હત્યાકાંડનો મુદ્દો ઉઠાવ્યો હતો. મેં વડાપ્રધાન મોદીને કહ્યું હતું કે ભારત સરકાર દ્વારા કોઈપણ સંડોવણી અસ્વીકાર્ય હશે અને તપાસમાં સહયોગ માંગ્યો હતો.તે જ સમયે, ટૂડોએ ભારત પર આરોપ લગાવ્યા અને ભારતીય રાજદ્વારીને હાંકી કાઢ્યા બાદ સોશિયલ મીડિયા પર ઘણી ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેમના જ દેશના લોકો તેમને ઘેરી રહ્યા છે અને તેમને અનેક સવાલો પૂછી રહ્યા છે. કેટલાકે ટૂડો પર પાકિસ્તાન જેવા કેનેડાને આતંકવાદીઓનું આશ્રયસ્થાન બનાવવાનો આરોપ પણ લગાવ્યો હતો. એક વ્યક્તિએ લખ્યું હતું કે, ’આ નાના ડાબેરીઓ ભારત સાથે કેમ લડવા માંગે છે?’ અન્ય એક યુઝરે લખ્યું હતું કે, ’કેનેડામાં ચીનના પોલીસ સ્ટેશનોએ તપાસ કરી અને કહ્યું કે ભારતે કર્યું છે.’ તે જ સમયે ’કેનેડાના લોકો અભિનંદન, તમે પાકિસ્તાન સાથે જોડાઈ ગયા છો જે અત્યાર સુધી આતંકવાદીઓને આશ્રય આપનાર એકમાત્ર દેશ હતો. જસ્ટિન ટૂડો કેનેડાને એ રસ્તે લઈ જઈ રહ્યા છે જે પાકિસ્તાન દાયકાઓ પહેલા ચાલ્યું હતું.
કેનેડાએ આ હકાલપટ્ટી એવા સમયે કરી છે જ્યારે ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો તંગ છે વેપાર વાટાઘાટો પાટા પરથી ઉતરી ગઈ છે અને કેનેડાએ ભારતનું વેપાર મિશન પણ રદ કર્યું છે. બગડતા સંબંધોની ઝલક નવી દિલ્હીમાં યોજાયેલી G-૨૦ સમિટ દરમિયાન પણ જોવા મળી હતી. હાલમાં કેનેડામાં શીખોની વસ્તી ૭૭૦,૦૦૦થી વધુ છે. ભારતમાં ખાલિસ્તાન ચળવળ પર પ્રતિબંધ છે. સરકાર તેને અને તેની સાથે જોડાયેલા જૂથોને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો માને છે. પરંતુ કેનેડા અને યુનાઇટેડ કિંગડમ જેવા દેશોમાં આ આંદોલનને થોડું સમર્થન મળી રહ્યું છે. નિજ્જરે અલગ શીખ રાજ્યની માંગ માટે અનૌપચારિક ખાલિસ્તાન જનમતની વાત કરી હતી. ગયા વર્ષે ભારત સરકારે નિજ્જરને પકડવા અથવા તેની ધરપકડ કરવા માટેની માહિતી માટે ૧૦ લાખ રૂપિયાના ઈનામની ઓફર કરી હતી.