ખાલિસ્તાની-ગેંગસ્ટર લિંક કેસમાં ૪ રાજ્યના ૩૦ સ્થળો પર દરોડા

નવીદિલ્હી, ખાલિસ્તાની-ગેંગસ્ટર લિંક કેસમાં એનઆઇએએ પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને મયપ્રદેશમાં ૩૦ સ્થળોએ દરોડા પાડ્યા છે. નેશનલ સિક્યોરિટી એજન્સીએ ગેંગસ્ટર અને ખાલિસ્તાની સાંઠગાંઠ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. તપાસ એજન્સીએ પંજાબ, હરિયાણા અને રાજસ્થાન અને મધ્યપ્રદેશના ૩૦ સ્થળો પર દરોડા પાડ્યા છે. એનઆઇએ આતંકવાદીઓ, ગેંગસ્ટરો અને ડ્રગ ડીલરો વચ્ચેની સાંઠગાંઠને ખતમ કરવા માટે સતત કાર્યવાહી કરી રહી છે.

અગાઉ સપ્ટેમ્બર ૨૦૨૩માં પણ એનઆઇએએ ગેંગસ્ટર અને ખાલિસ્તાની સાંઠગાંઠ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી હતી. તપાસ એજન્સીએ પંજાબ, હરિયાણા, રાજસ્થાન, દિલ્હી એનસીઆર, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં લગભગ ૫૧ સ્થળોએ દરોડા પાડ્યા હતા.એનઆઇએએ આ કાર્યવાહી આતંકવાદીઓ, ગેંગસ્ટરો અને ડ્રગ ડીલરો વચ્ચે સાંઠગાંઠ સંબંધિત ૩ કેસમાં કરી હતી.

સપ્ટેમ્બરમાં પાડવામાં આવેલા દરોડા દરમિયાન એનઆઇએની ટીમ પંજાબમાં સૌથી વધુ ૩૦ સ્થળોએ પહોંચી હતી. તે જ સમયે, રાજસ્થાનમાં ૧૩, હરિયાણામાં ૪, ઉત્તરાખંડમાં ૨, દિલ્હી-એનસીઆર અને યુપીમાં ૧-૧ જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા.એનઆઇએના સૂત્રોના જણાવ્યા અનુસાર, વિદેશમાં બેઠેલા ખાલિસ્તાની અને ગેંગસ્ટર હવાલા ચેનલ દ્વારા ભારતમાં ગ્રાઉન્ડ વર્કર્સને ડ્રગ્સ અને હથિયારોનું ફંડિંગ કરી રહ્યા છે. ગેંગસ્ટર-ખાલિસ્તાનીઓની આ ફંડિંગ ચેઈનને ખતમ કરવા એનઆઇએની કાર્યવાહી ચાલી રહી છે.

એનઆઇએ દ્વારા લગભગ પાંચ મહિના પહેલા જે સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હતા તે લોરેન્સ બિશ્ર્નોઈ, બંબિહા ગેંગ અને અર્શ દલ્લા ગેંગના સભ્યો સાથે જોડાયેલા હતા.એનઆઇએની ટીમ દિલ્હીના ભીમા પોલીસ સ્ટેશન રોડી પહોંચી હતી. અહીંયા યદવિંદર ઉર્ફે જશનપ્રીતના ઘરે દરોડો પાડવામાં આવ્યો હતો, જે વ્યવસાયે બાઉન્સર છે. યાદવિન્દરના ખાતામાં વિદેશથી ફંડિંગ આવ્યું હતું, તેના ફોન પરથી વિદેશમાં કોલ પણ કરવામાં આવ્યા હતા.