ખાલિસ્તાની આતંકવાદી ગુરૂપતવંતસિંહ પન્નુનું અમેરિકામાં અકસ્માતમાં મોત

ન્યુયોર્ક, ભારતમાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસના કુખ્યાત ચીફ ગુરપતવંત સિંહ પન્નુનું અમેરિકામાં માર્ગ અકસ્માતમાં મોત થઈ ગયું છે. જણાવાઈ રહ્યું છે કે, અમેરિકાના હાઈવે ૧૦૧ પર તેની કારનો અકસ્માત થયો છે. જણાવાઈ રહ્યું છે કે, પન્નુ લાંબા સમયથી અંડરગ્રાઉન્ડ રહીને ભારત વિરોધી ગતિવિધિઓમાં સામેલ હતો. તેને ડર હતો કે, છેલ્લા ૬૦ દિવસમાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જર, અવતાર સિંહ ખાંડા અને પરમજીત સિંહ પંજવારની જેમ તેને પણ નિશાન બનાવવામાં આવી શકે છે.

ગુરપતવંત સિંહ પન્નુ સોશિયલ મીડિયા પર ભારત સામે ઝેર ઓક્તો રહેતો હતો અને ખાલિસ્તાનની સ્થાપનાને લઈને મોટી-મોટી વાતો કરતો રહેતો હતો.ભારત સરકારે ૧ જુલાઈ, ૨૦૨૦એ યુએપીએ કાયદા અંતર્ગત તેને આતંકવાદી જાહેર કર્યો હતો. જુલાઈ ૨૦૨૦માં પંજાબ પોલીસે અમૃતસર અને કપૂરથલામાં પન્નુ સામે રાજદ્રોહનો કેસ નોંધ્યો હતો.

પન્નુ અવાર-નવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખાલિસ્તાનને લઈને ભારત વિરોધી પોસ્ટ કરતો રહેતો હતો. તેણે પોતાના તથાકથિત ખાલિસ્તાનમાં હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડને પણ સામેલ કરવાની ધમકી આપી હતી. પન્નુના ઈશારે તેના સંગઠન શીખ ફોર જસ્ટિસના આતંકવાદીઓએ દુનિયાભરમાં હિંદુ મંદિરો, ભારતીય દૂતાવાસો અને નાગરિકોને નિશાન બનાવાયા છે.

ગુરુપતવંત સિંહ પન્નુ અમૃતસરના ખાનકોટ ગામમાં જન્મ્યો હતો. તે બાદમાં કમાણી કરવા વિદેશ જતો રહ્યો અને આઈએસઆઈની મદદથી પંજાબમાં ખાલિસ્તાની ચળવળને ફરીથી શરૂ કરવાના પ્રયાસમાં હતો. તેણે વિદેશોમાં રહેતા શીખોને ખાલિસ્તાનના પક્ષમાં ભડકાવ્યા. એટલું જ નહીં, પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈ પાસેથી મળેલા રૂપિયાથી ભારતમાં હિંસા ફેલાવવાનું ષડયંત્ર પણ રચ્યું હતું.