ખાલિસ્તાની આતંકીએ હિંદુ નેતાની હત્યાની જવાબદારી લીધી

અમૃતસર,
પંજાબના અમૃતસરમાં હિન્દુ નેતા સુધીર સૂરીની હત્યાના કેસમાં હવે કેનેડામાં બેઠેલા ખાલિસ્તાની આતંકવાદી લખબીર લાંડાની એન્ટ્રી થઈ ગઈ છે. ભાગેડુ આતંકવાદી લખબીરે સોશિયલ મીડિયા પર સૂરીની હત્યાની જવાબદારી લીધી છે. આતંકવાદી લખબીર પહેલાંથી જ સુધીર સૂરીની હત્યા કરવાની યોજના બનાવી રહ્યો હતો. હાલમાં જ ધરપકડ કરાયેલા આતંકવાદીના નજીકના સંબંધીઓએ પોલીસને આ અંગે માહિતી આપી હતી.

સુધીર સૂરીની હત્યા પછી આરોપી સંદીપ સિંહ ઉર્ફે સેન્ડીની ગણતરીની મિનિટોમાં જ ધરપકડ કરવામાં આવી હતી. હવે તરનતારનથી કેનેડામાં સ્થાયી થયેલા અને ગેંગસ્ટર આતંકવાદી બનેલો લખીબરે સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી એક પોસ્ટ લખી છે કે ’આ તો માત્ર શરૂઆત છે.’

આતંકવાદી લખબીરે પોતાની પોસ્ટમાં ધમકી આપી છે કે જે લોકો શીખ સમુદાય અથવા અન્ય કોઈ ધર્મ વિશે ખરાબ બોલે છે, તેઓ બધા તૈયાર રહે. દરેકનો વારો આવશે. સિક્યોરિટી લઈને તમે બચી જશો એવું સમજતા નહીં. હજુ તો શરૂઆત છે, અધિકારો લેવાના બાકી છે.

મોહાલીમાં પંજાબ પોલીસના ઇન્ટેલિજન્સ વિંગ હેડક્વાર્ટર પર થયેલા ઇઁય્ હુમલામાં લખબીર સિંહનું નામ સામે આવ્યું છે. પાકિસ્તાનમાં રહેતો આતંકવાદી હરવિંદર સિંહ ઉર્ફે રિંદા સાથે તેના સીધા સંબંધ છે. ભૂતકાળમાં તરનતારનમાં કાપડના વેપારીની હત્યામાં પણ લખબીરનું નામ સામે આવ્યું હતું. પંજાબમાં તેની સામે ૨૦ કેસ નોંધાયેલા છે.

થોડા દિવસ અગાઉ અમૃતસરના કટડા અહલુવાલિયામાંથી પકડાયેલા ત્રણ આતંકવાદી અને તરનતારનમાં કાપડના વેપારીની હત્યામાં પકડાયેલા આતંકવાદીઓએ લખબીર લાંડા માટે કામ કરતા હોવાનો ખુલાસો કર્યો હતો. આરોપીઓ પાસેથી મોટી સંખ્યામાં હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યાં હતાં. આતંકવાદીઓએ જણાવ્યું કે તેમને અમૃતસરમાં હિન્દુ નેતા સુધીર સૂરીની હત્યા કરવાનું કહેવામાં આવ્યું હતું.