ખાદ્યપદાર્થોની કિંમતોમાં અસ્થિરતાને કારણે મોંઘવારીમાં વધારો થયો

નવીદિલ્હી, સામાન્ય જનતા માટે મોંઘવારીનો વધુ એક ઝટકો આવ્યો છે. સરકારે નવેમ્બર મહિના માટે છૂટક મોંઘવારીના આંકડા જાહેર કર્યા છે, જે મુજબ ભારતનો છૂટક મોંઘવારી દર નવેમ્બરમાં વાર્ષિક ધોરણે ૫.૫ ટકા વધ્યો છે, જ્યારે ઓક્ટોબરમાં તે ચાર મહિનાની નીચી સપાટીએ ૪.૮૭ ટકા હતો.ભારતીય રિઝર્વ બેંકના ૨-૬ ટકાના સહનશીલતા ડેટાની અંદર છે.

બીજી બાજુ, ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં વધારાને કારણે નવેમ્બર મહિનામાં ખાદ્ય મોંઘવારી વધીને ૮.૭ ટકા થઈ ગઈ છે, જ્યારે ઓક્ટોબરમાં તે ૬.૬ ટકા હતી. અગાઉ, એક સર્વેના અહેવાલમાં અનુમાન લગાવવામાં આવ્યું હતું કે ખાદ્યપદાર્થોની કિંમતોમાં અસ્થિરતાને કારણે, છૂટક મોંઘવારી ક્રમિક ધોરણે ૮૦ પોઇન્ટથી વધુ વધીને ૫.૭ ટકા થશે.

ગત સપ્તાહે, ડિસેમ્બરની નીતિ બેઠકમાં આરબીઆઇએ મોંઘવારીના લક્ષ્યાંકને ૫.૪ ટકા પર યથાવત રાખ્યો હતો. ઓગસ્ટની નીતિમાં આરબીઆઇ એમપીસીએ પોતાના નાણાકીય વર્ષ ૨૦૨૪ માટે મોંઘવારી દર ૫.૧ ટકાથી વધારીને ૫.૪ ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો. આરબીઆઇ ગવર્નર શક્તિકાંત દાસે ત્રીજા ક્વાર્ટરમાં છૂટક મોંઘવારી અથવા સીપીઆઇ ડેટા ૫.૬ ટકા અને ચોથા ક્વાર્ટરમાં ૫.૨ ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ નાણાકીય વર્ષ ૨૦૨૩ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં સીપીઆઇ મોંઘવારીનો દર ૫.૨ ટકા, બીજા ક્વાર્ટરમાં ૪ ટકા અને ત્રીજા ક્વાર્ટરમાં ૪.૭ ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે. ગવર્નરે કહ્યું હતું કે સેન્ટ્રલ બેંકે ઓક્ટોબર ૨૦૨૩માં ફુગાવાના દરને ૫ ટકાથી નીચે લાવવામાં નોંધપાત્ર વધારો નોંધ્યો છે. જો કે, ૪ ટકા સીપીઆઇનો લક્ષ્યાંક હજુ સુધી હાંસલ થયો નથી.આરબીઆઇ ગવર્નર શક્તિકાંત દાસે આ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

છૂટક મોંઘવારી દરમાં ઉછાળાથી તે લોકોને ઝટકો લાગી શકે છે જે સસ્તા વ્યાજની આશા રાખતા હતા. નાણાપ્રધાન નિર્મલા સીતારામને સોમવારે ૧૧ ડિસેમ્બરે સંસદમાં કહ્યું હતું કે રિટેલ મોંઘવારી દર સ્થિર થઈ રહ્યો છે, પરંતુ આજે એટલે કે ૧૨ ડિસેમ્બરે જાહેર થયેલા આંકડાઓએ લોકોને આશ્ર્ચર્યમાં મૂકી દીધા છે. આ મોંઘવારી ઘટાડવી સરકાર માટે એક પડકાર બની રહેશે.