ખાદ્ય તેલના ભાવથી ધટાડો થવા છતાં દાહોદમાં ફરસાણના ભાવ નહિ ધટાડતા જીલ્લા કલેકટર અને પુરવઠા અધિકારીને રજુઆત

દાહોદ,

તાજેતરમાં ખાદ્ય તેલના ભાવમાં જંગી ઘટાડો થયા બાદ દાહોદ શહેરમાં ફરસાણના ભાવોમાં ઘટાડો ન કરાતાં આ મામલે દાહોદ જિલ્લા નાગરિક વિકાસ સમિતિ, દાહોદ દ્વારા આ જિલ્લા કલેક્ટર, પુરવઠા અધિકારી, પ્રાંત અધિકારી અને મામલતદારને લેખિત રજુઆત કરવામાં આવી છે.

છેલ્લા ઘણા સમયથી ખાદ્ય તેલોના ભાવોમાં ઘરખમ વધારો જોવા મળ્યો હતો. જેના કારણે ગૃહિણીઓના બજેટ પણ ખોરવાયાં હતા. ત્યારે સરકાર દ્વારા ખાદ્ય તેલના ભાવોમાં તાજેતરમાં ઘટાડો કરવામાં આવતાં ગૃહિણીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે દાહોદ શહેરમાં પણ ખાદ્ય તેલોના ભાવોમાં ઘટાડો થયાં છતાંય શહેર સહિત જિલ્લાના ફરસાણના વેપારીઓ દ્વારા ફરસાણના ભાવોમાં ઘટાડો કરવામાં આવ્યો ન હોવાના આક્ષેપો થવા પામ્યાં છે. ત્યારે આવા સમયે દાહોદ જિલ્લા નાગરીક વિકાસ સમિતિ, દાહોદ દ્વારા કલેક્ટરથી લઈ પુરવઠા અધિકારીને લેખિત રજુઆત કરી જણાવ્યું છે કે, છેલ્લા ઘણા સમયથી ખાદ્ય તેલ જેમાં કપાસીયા તેલ, સીંગતેલ, પામોલીન તેલના 15 કિલો ડબ્બા દીઠ રૂા. 700 થી 800 અને 52 કિલો પર રૂા. 50 થી 60 જેટલો માતબર ભાવનો ઘટાડો થવા છતાંય દાહોદ શહેર સહિત જિલ્લાના ફરસાણના વેપારીઓ ગ્રાહકોને ફરસાણનો ભાવ નહીં ઘટાડી ખુલ્લે આમ લુંટી રહ્યાં છે. જ્યારે ખાદ્યતેલનો ભાવ રૂા.3000 ડબ્બાનો હતો. ત્યારે ફરસાણનો ભાવ રૂા.260 થી રૂા.280, કચોરી, સમોસા રૂા. 15 થી 17 કરેલ હતો અને હાલમાં રૂા. 700 થી 800નો જંગી ભાવ ઘટાડો ખાદ્યતેલમાં થયેલ છતાંય ફરસાણના તમામ વેપારીઓ ભાવ નહીં ઘટાડી ગ્રાહકોને લુટતા હોય જેથી ફરસાણના વેપારીઓને કચોરી, સમોસા તેમજ અન્ય ખાદ્ય ચીજવસ્તુઓના ભાવોમાં ઘટાડો કરવા સુચન, આદેશ કરવા અધિકારીઓને રજુઆત કરવામાં આવી હતી.