પાણીપત,
રિયાણાના પાણીપતમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ની વાર્ષિક સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. દરમિયાન, આરએસએસએ એક ઠરાવ પસાર કરીને કહ્યું હતું કે કેટલીક શક્તિઓ સમાજમાં પરસ્પર અવિશ્ર્વાસ અને અરાજક્તા પેદા કરવાનું ષડયંત્ર કરી રહી છે, તેમની યોજનાઓને નિષ્ફળ બનાવવાની જરૂર છે. વધુમાં જણાવાયું હતું કે વિદેશી આક્રમણ અને સંઘર્ષના સમયગાળા દરમિયાન દેશમાં જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું હતું. સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક અને ધાર્મિક પ્રણાલીઓને ભારે નુક્સાન થયું હતું.
આરએસએસએ કહ્યું કે આઝાદીના અમૃત મહોત્સવના શુભ અવસર પર આખા દેશે આ સંઘર્ષમાં યોગદાન આપનારા લોકનેતાઓ, સ્વતંત્રતા સેનાનીઓ અને ૠષિઓને યાદ કર્યા. આઝાદી મળ્યા બાદ આપણે અનેક ક્ષેત્રોમાં મહત્વની સિદ્ધિઓ મેળવી છે. આજે ભારતની અર્થવ્યવસ્થા વિશ્ર્વની મુખ્ય અર્થવ્યવસ્થાઓમાંની એક તરીકે ઉભરી રહી છે. વિશ્ર્વ ભારતના શાશ્ર્વત મૂલ્યો પર આધારિત નવીનતાને સ્વીકારી રહ્યું છે. ‘વસુધૈવ કુટુંબકમ’ની વિભાવના પર આધારિત, ભારત વિશ્ર્વ શાંતિ, વિશ્ર્વ ભાઈચારો અને માનવ કલ્યાણ માટે તેની ભૂમિકા ભજવવા માટે આગળ વધી રહ્યું છે.
ઠરાવમાં વધુમાં કહેવામાં આવ્યું હતું કે અખિલ ભારતીય પ્રતિનિધિ સભા એ વાતને રેખાંક્તિ કરવા માંગે છે કે ઘણા દેશો ભારત પ્રત્યે આદર અને સદ્ભાવના ધરાવે છે, પરંતુ વિશ્ર્વની કેટલીક શક્તિઓ ભારતના આ વધતા પ્રભાવને સ્વીકારવા સક્ષમ નથી. હિંદુત્વના વિચારનો વિરોધ કરી રહેલી દેશની અંદર અને બહાર ઘણી શક્તિઓ સમાજમાં અવિશ્ર્વાસ અને અરાજક્તા પેદા કરવા માટે નવા ષડયંત્રો રચી રહી છે. આ બધાથી વાકેફ હોવા છતાં, આપણે તેમની યોજનાઓને પણ નિષ્ફળ કરવી પડશે.
આ પહેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)એ તેની વાર્ષિક પ્રતિનિધિ સભામાં સમાજવાદી પાર્ટીના દિવંગત નેતા મુલાયમ સિંહ યાદવ, સમાજવાદી નેતા શરદ યાદવ, વરિષ્ઠ વકીલ શાંતિ ભૂષણ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા હીરાબેન મોદી વગેરેને શ્રદ્ધાંજલિ આપી હતી.