સ્વતંત્રતા દિવસના અવસરે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ દિલ્હીમાં કોંગ્રેસના મુખ્યાલયમાં ત્રિરંગો ફરકાવ્યો. આ અવસર પર તેમણે કહ્યું કે કેટલીક શક્તિઓ છે જે આપણા ભાઈચારાને ખતમ કરવાનો પ્રયાસ કરી રહી છે. આપણે બંધારણની રક્ષા માટે બલિદાન આપવા તૈયાર રહેવું પડશે. તેમણે લોકોને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પણ પાઠવી હતી.
તેમણે કહ્યું કે આજે કેટલાક લોકો પ્રચાર કરે છે કે આઝાદી સરળતાથી મળી ગઈ, પરંતુ સત્ય એ છે કે લાખો લોકોએ બલિદાન આપ્યું, ઘર છોડી દીધું અને ભટક્તા રહ્યા. આજના શાસકો વિભાજનકારી વિચારસરણીને પ્રોત્સાહન આપી રહ્યા છે. તેઓ નફરત ફેલાવવાના હેતુથી ભાગલાની ઉજવણી કરે છે.
કોંગ્રેસ કાર્યાલય ખાતે ખડગેએ કહ્યું કે ૭૮માં સ્વતંત્રતા દિવસ પર એ ચિંતાનો વિષય છે કે બંધારણીય અને સ્વાયત્ત સંસ્થાઓને સરકાર દ્વારા કઠપૂતળીમાં ફેરવી દેવામાં આવી છે. તેમણે કહ્યું કે લોકશાહી અને બંધારણ ૧૪૦ કરોડ ભારતીયો માટે સૌથી મોટી ઢાલ છે અને અમે અમારા અંતિમ શ્ર્વાસ સુધી તેમની રક્ષા કરીશું.
કોંગ્રેસ અયક્ષે ટ્વિટર પર વીડિયો સંદેશ શેર કરતા કહ્યું કે વિપક્ષ લોકશાહી માટે ઓક્સિજન સમાન છે. સરકારના ગેરબંધારણીય વલણને રોકવાની સાથે પ્રજાના પ્રશ્ર્નો પણ ઉઠાવે છે. નામ લીધા વગર વિપક્ષ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓનું સ્વપ્ન વિવિધતામાં એક્તા જાળવી રાખવાનું હતું. પરંતુ કેટલીક શક્તિઓ બળજબરીથી પોતાના વિચારો દેશ પર લાદીને આપણા ભાઈચારાને ખતમ કરવાનો પ્રયાસ કરી રહી છે.
ખડગેએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટીના અયક્ષ તરીકે હું તમામ લોકોને ખાતરી આપવા માંગુ છું કે અમે બેરોજગારી, મોંઘવારી, ગરીબી, ભ્રષ્ટાચાર અને અસમાનતા સામે લડતા રહીશું. બંધારણની રક્ષા માટે બલિદાન આપવા પણ તૈયાર છે. તેમણે કહ્યું કે આ જ આપણા પૂર્વજોને સાચી શ્રદ્ધાંજલિ હશે. આપણે આપણા લાખો મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનને યાદ કરીએ છીએ અને તેમના પ્રત્યે આદર વ્યક્ત કરીએ છીએ. આ દરમિયાન કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી, લોક્સભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસના અન્ય નેતાઓ હાજર રહ્યા હતા.