- તેમના આ નિવેદનને શ્રદ્ધા વાલકર હત્યાકાંડ સાથે જોડવામાં આવી રહ્યું છે.
ફિરોઝાબાદ,
મોટા ભાગે પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહેનારા ભારતીય જનતા પાર્ટીના સાંસદ સાક્ષી મહારાજે શ્રદ્ધા હત્યાકાંડને લઈને એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. સાંસદ સાક્ષી મહારાજના આ નિવેદનને લઈને ફરી એક વખત વિવાદ ઉભો થઈ શકે છે. તેમણે બુધવારે કહ્યું હતું કે, હિંદુ છોકરીઓએ હિંસા અને ગુનાહિત માનસિક્તાના રૂપમાં સાવચેત રહેવું જોઈએ. તેમણે કહ્યું કે, ’કેટલાક લોકોના લોહીમાં હિંસા હોય છે’. તેમના આ નિવેદનને શ્રદ્ધા વાલકર હત્યાકાંડ સાથે જોડવામાં આવી રહ્યું છે.
ઉન્નાવથી લોક્સભા સાંસદે કહ્યું કે, હિંદુ છોકરીઓએ પોતાના મગજમાંથી એ ધારણા કાઢી નાખવી પડશે કે, ’મેરા અબ્દુલ ઐસા નહીં હૈ’. તેમણે આગળ કહ્યું કે, જે લોકો શરીરના ટુકડા કરવાનું કામ કરી શકે છે તેવા લોકો પોતાને ક્યારેય નહીં સુધારશે. કેટલાક લોકોના લોહીમાં હિંસા છે.
ભાજપ સાંસદ ફિરોઝાબાદમાં બોલી રહ્યા હતા જ્યાં તેઓ આગમાં માર્યા ગયેલા લોકોના પરિવારોને સાંત્વના આપવા ગયા હતા. સાક્ષી મહારાજની વાત કરીએ તો તેઓ રામ મંદિર આંદોલનમાં સામેલ હતા. આ સાથે જ તેમને ભાજપના હિંદુત્વનો ચહેરો માનવામાં આવે છે. તાજેતરમાં જ તેમણે એવું કહીને વિવાદ ઉભો કર્યો હતો કે, ધર્મની રક્ષા માટે હિંદુ મહિલાઓએ ઓછામાં ઓછા ૪ બાળકોને જન્મ આપવો જોઈએ. બીજી તરફ વર્ષ ૨૦૧૫માં અખલાક હત્યા મામલે તેમણે ઘોષણા કરી હતી કે, અમે પોતાની ગૌ માતાની રક્ષા માટે મારવા અને મરવા માટે તૈયાર છે.
ફિરોઝાબાદમાં પત્રકારો સાથે વાત કરતા છ વખતના સાંસદ સાક્ષી મહારાજે કહ્યું કે, ભાજપ મૈનપુરી લોક્સભા સીટ અને બે વિધાનસભા સીટોની પેટાચૂંટણી જીતી રહી છે. જણાવી દઈએ કે આ માટે ૫મી ડિસેમ્બરે મતદાન થયું હતું. તેના પરિણામો આજે એટલે કે ૮મી ડિસેમ્બરે આવવાના છે. તેમણે વધુમાં કહ્યું કે અમે પેટાચૂંટણી જીતી રહ્યા છીએ, અહીં કોઈ હરીફાઈ નથી. હિમાચલ અને ગુજરાત ચૂંટણી પરિણામો અંગે સાંસદે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી આ રાજ્યોમાં બે તૃતીયાંશ બહુમતી સાથે સરકાર બનાવશે.