
જુનાગઢ, જુનાગઢમાં યુવતીને સાસરા પક્ષ તરફથી સોનું ન આપતા આપઘાત કર્યાની ઘટના પ્રકાશમાં આવી છે. સસરા પક્ષે લગ્નની તારીખ નક્કી થયા બાદ પાંચ તોલા સોનું આપવાની વાત કરી હતી પરંતુ લગ્ન નક્કી થયા બાદ સોનું ન આપતા યુવતીને લાગી આવ્યું અને તેણે જીવન ટૂકાવી દીધાની ઘટના સામે આવી છે.
કેશોદના ટીટોળી ગામની યુવતીના લગ્ન નક્કી થતાં સસરા પક્ષ દ્વારા પાંચ તોલા સોનું આપવાનું જણાવ્યું હતું. પરંતુ યુવતીના પતિ અને સસરા પક્ષે સોનું ના આપી લગ્ન કરવા માટે જાન લઈને આવવાની ના પાડતાં યુવતીએ ઝેરી દવા પી આપઘાત કર્યુ છે. યુવતીએ આપઘાત કરતાં પહેલા બે પાનાની સુસ્સાઈડ નોટ પણ લખી છે.
જે સુસ્સાઈડ નોટમાં યુવતીએ આક્ષેપ કર્યો છે કે, તેના પતિ સાહિલ રાઠોડે લગ્નની તારીખ નક્કી થઈ ત્યારે પાંચ તોલા સોનું આપવાનું કહ્યું હતું. પરંતુ હવે સોનું ન આપી લગ્ન કરવાની ના પાડી ફરી ગયો છે. તેની બે બહેનો અને અન્ય લોકો મારા ઘરે આવી ઝગડો કર્યો હતો. તેમના કાકાએ બધાને મરાવી નાંખી ઘરને તાળું મરાવી દેવાની ધમકી આપી હતી. આ ઘટનાને લઈ કેશોદ પોલીસે તપાસ હાથ ધરી છે.