નવીદિલ્હી, ભારત અને પાકિસ્તાન વચ્ચેનો વિવાદ ભાગલાની સાથે શરૂ થયો હતો. જે આજ પણ ચાલુ છે. બંને દેશો વચ્ચે ભાગલાથી લઈને આજદિવસ સુધી વિવિધ મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે. પાકિસ્તાન, આપણા કાશ્મીર પર દાવો કરે છે, જ્યારે ભારત પાકિસ્તાન હસ્તકના કાશ્મીર પર દાવો કરે છે. જમ્મુ કાશ્મીરમાં વહેતી નદીના પાણીને લઈને પણ બંને દેશો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. પરંતુ એક એવો વિવાદ છે, જેના વિશે જાણીને તમને આશ્ચર્ય થશે. આ વિવાદ કેરીની જાતનો છે. બંને દેશો ઉત્તર પ્રદેશની કેરીની વિવિધતા પર દાવો કરતા રહે છે. આવો જાણીએ આ વિવાદ ક્યારે અને કેવી રીતે શરૂ થયો.
આ વાત છે વર્ષ ૧૯૮૧ની. ઈન્દિરા ગાંધી ભારતના વડાપ્રધાન હતા અને જનરલ ઝિયા ઉલ હક પાકિસ્તાનના રાષ્ટ્રપતિ હતા. એ સમયે ઝિયા ઉલ હકે ભારતના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન ઈન્દિરા ગાંધી માટે કેરીના ટોપલા મોકલ્યા હતા અને કહ્યું કે આ તેમના દેશની કેરી છે. વડા પ્રધાન ઈન્દિરા ગાંધીને એ કેરી એટલી ગમતી કે તેમણે જનરલ ઝિયા ઉલ હકને પત્ર લખીને તેમની પ્રશંસા કરી, અને સાથોસાથ રાજકીય રીતે પુછવાની સાથે કટાક્ષ કરતા કહ્યું કે, શું આવી કેરીઓ માત્ર પાકિસ્તાનમાં જ જોવા મળે છે.
તે સમયે જ્યારે અખબારોમાં કેરીના સમાચાર આવ્યા તો ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લાના રતૌલ ગામના લોકો ચોંકી ઉઠ્યા હતા. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ઝિયા ઉલ હકે વડાપ્રધાન ઈન્દિરા ગાંધી અને ભારતના રાષ્ટ્રપતિને જે કેરી મોકલી હતી, તે પાકિસ્તાનની હોવાનો દાવો કર્યો હતો. પરંતુ તે અસલ તો ઉત્તર પ્રદેશના બાગપતના રતૌલ ગામની હતી. રતૌલ ગામના લોકોએ દાવો કર્યો હતો કે આ કેરી તેમના ગામમાંથી નીકળી છે અને તે પાકિસ્તાનની નહીં પણ ભારતની મૂળ જાતની છે.
બસ આ મુદ્દે રતૌલ ગામના લોકો દિલ્હી પહોંચ્યા અને વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને મળ્યા. તેમને સંપૂર્ણ પુરાવા સાથે સમજાવ્યું કે આ કેરીની મૂળ જાત ભારતની છે. રતૌલ ગામના એક ખેડૂતે જણાવ્યું કે, વાસ્તવમાં, ભાગલા પછી તેના પિતાના મોટા ભાઈ અબરારુલ હક સિદ્દીકી રતૌલથી પાકિસ્તાન ચાલ્યા ગયા હતા. તે તેમની સાથે રતૌલ કેરીની વેરાયટી પણ લઈ ગયા હતા. તેમણે મુલતાનમાં રતૌલ કેરીની ખેતી શરૂ કરી. ઉપરાંત, તેમણે તેના પિતા અનવારુલ હકની યાદમાં મુલતાનમાં જ કેરીનું નામ અનવર રતુલ રાખ્યું હતું.
મીડિયા રિપોર્ટ અનુસાર અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના માસ કોમ્યુનિકેશન ઓફિસના ડાયરેક્ટર રાહત અબરારને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, આજે મુલતાન રતૌલ કેરીના કારણે આખી દુનિયામાં જાણીતું છે. દુનિયાને લાગે છે કે મુલતાનમાં ઉગાડવામાં આવતી કેરીઓ એટલી સારી છે. વાસ્તવમાં, તે એક ભારતીય મૂળની કેરી છે જે પાકિસ્તાનમાં એટલી પ્રસિદ્ધ થઈ ગઈ છે કે તેના નામે પાકિસ્તાનમાં ટપાલ ટિકિટ પણ બહાર પાડવામાં આવી છે. કેરીની આ વિવિધતા અંગે, રતૌલ ગામના ખેડૂત મેરાજુદ્દીનને મીડિયામાં ટાંકીને કહેવામાં આવ્યું છે કે, તે પણ એવા ખેડૂતોમાં સામેલ છે જેઓ કેરીના મુદ્દે વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને મળ્યા હતા. મેરાજુદ્દીનને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, દુનિયાભરમાં જ્યાં પણ કેરી ફેસ્ટિવલ યોજાય છે, ત્યાં ભારત-પાકિસ્તાનનો કેરીનો વિવાદ ત્યાં પણ પહોંચે છે. ભારત કેરીની આ જાતને પોતાની હોવાનો દાવો કરે છે અને પાકિસ્તાન તેમની કેરીની જાતનો દાવો કરે છે. બાગપતના ખેડૂતોનો દાવો છે કે, આજે પણ રતૌલ જાતની કેરી ત્યાં ૨૦૦૦ વીઘા જમીનમાં ઉગાડવામાં આવે છે.