રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય સંયોજક બેઠક ૩૧ ઓગસ્ટથી ૨ સપ્ટેમ્બર સુધી કેરળના પલક્કડમાં યોજાવાની છે. ત્રણ દિવસીય અખિલ ભારતીય સંયોજક બેઠકમાં સંઘના તમામ સહયોગી સંગઠનોના અધિકારીઓ ભાગ લેશે. ૩૧મીથી શરૂ થનારી બેઠક પૂર્વે નાની-મોટી બેઠકોનો દોર શરૂ થયો છે.
નાની સભા જેને સંઘ ટોળી બેઠક કહે છે. તે બેઠકોનો પ્રવાસ આજથી શરૂ થયો છે. જેમાં સંઘ પ્રમુખ સહિત સરકાર્યવાહ અને તમામ ૬ સહ-સરકાર્યવાહ અને કેન્દ્રીય પ્રતિનિધિઓએ ભાગ લીધો છે. સંઘ સાથે જોડાયેલી ૩૨ અલગ-અલગ સંસ્થાઓના નેતાઓ તેમાં ભાગ લેશે.
વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટી, વિશ્વ હિન્દુ પરિષદ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, રાષ્ટ્ર સેવિકા સમિતિ, મજદૂર સંઘ, ક્સિાન સંઘ, સ્વદેશી જાગરણ મંચના પ્રતિનિધિઓ મુખ્ય રીતે ભાગ લેશે આ બેઠકમાં રાષ્ટ્રીય, સામાજિક અને રાજકીય ધાર્મિક મુદ્દાઓ પર ઉંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવશે.
ભાજપ તરફથી પાર્ટીના રાષ્ટ્રીય સંગઠન મહાસચિવ બીએલ સંતોષ, રાષ્ટ્રીય સંયુક્ત સંગઠન મહાસચિવ શિવ પ્રકાશ અને રાષ્ટ્રીય ઓર્ગેનાઈઝર વી સતીશની ભાગીદારી નિશ્ચિત માનવામાં આવે છે. બેઠકમાં વિવિધ સંસ્થાઓના કાર્યર્ક્તાઓ તેમના કામની માહિતી અને અનુભવની આપ-લે કરશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, બેઠકમાં રાષ્ટ્રીય હિતના વિવિધ વિષયોના સંદર્ભમાં વર્તમાન પરિસ્થિતિ, તાજેતરની મહત્વપૂર્ણ ઘટનાઓ અને સામાજિક પરિવર્તનના અન્ય પરિમાણો પરની યોજનાઓ પર ચર્ચા કરવામાં આવશે. બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલા અને મંદિરોની તોડફોડ પણ આ બેઠકમાં મુખ્ય વિષયો હશે.
આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષને લઈને પણ સર્વસંમતિ સધાશે. થોડા દિવસો પહેલા કેન્દ્રીય રક્ષા મંત્રીના ઘરે આરએસએસ અને બીજેપીના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ આ અંગે સહમત થઈ શક્યા નથી. આ દરમિયાન નક્કી કરવામાં આવ્યું હતું કે કેરળની બેઠકમાં આ વિષય પર ચર્ચા કરીને ભાવિ રાષ્ટ્રીય અધ્યક્ષની પુષ્ટિ કરવામાં આવશે.
સૂત્રોએ જણાવ્યું કે આ બેઠકમાં નિર્ણય લેવામાં આવશે કે કેન્દ્રની સાથે સાથે રાજ્યોમાં પાર્ટી, સરકાર અને સંઘ વચ્ચે વ્યાપક સંકલન હોવું જોઈએ. લોક્સભા ચૂંટણીમાં ભાજપના નબળા પ્રદર્શન બાદ હરિયાણા, જમ્મુ-કાશ્મીર, મહારાષ્ટ્ર અને ઝારખંડની વિધાનસભા ચૂંટણીને લઈને ચર્ચા થશે. આ રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની વાપસી સુનિશ્ર્ચિત કરવા માટે આ રણનીતિ નક્કી કરવામાં આવશે.
હરિયાણા, જમ્મુ કાશ્મીર અને મહારાષ્ટ્ર પર ઉંડાણપૂર્વક ચર્ચા થવા જઈ રહી છે. આ રાજ્યોમાં ચૂંટણીના સંદર્ભમાં, ચૂંટણી સમિતિઓ અને સંઘના અધિકારીઓ સાથે ઘણી વખત બેઠકો યોજવામાં આવી છે. જમ્મુ કાશ્મીર અને હરિયાણાની ચૂંટણી ઓક્ટોબર મહિનામાં યોજાશે. મહારાષ્ટ્રમાં ૧૦ થી ૧૫ તારીખની વચ્ચે દિવાળી પછી ચૂંટણી યોજાય તેવી શક્યતા છે. આરએસએસ અને તેની સાથે જોડાયેલા સંગઠનો આ દિશામાં પણ રણનીતિ નક્કી કરશે.