કેરળ, ઝારખંડમાં બર્ડ ફલૂના કેસ દેખાયા, સાવચેતી રાખવા સલાહ

નવીદિલ્હી, કેરળ, ઝારખંડમાં બર્ડ ફલૂ ના કેસ દેખાતા સ્વાસ્થ્ય મંત્રાલય સાવચેત બની ગયું છે અને ભારતમાં અને વૈશ્વિક સ્તરે – એવિયન ઈન્ફલ્યુએન્ઝા (બર્ડ ફલૂ) અને ઈન્ફલ્યુએન્ઝા જેવી બીમારીઓ પર દેખરેખ વધારવાનું સૂચન કર્યું છે.નાના બાળકો અને વૃદ્ધોને મોસમી ઈન્ફલ્યુએન્ઝાના કિસ્સામાં સૌથી વધુ સંવેદનશીલ જૂથ તરીકે ઓળખવામાં આવ્યા છે. મંત્રાલયે કહ્યું, તે મોસમી ઈન્ફલ્યુએન્ઝા અને બર્ડ ફલૂ બંનેના સંબંધમાં પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યું છે; અને હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે.મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારોને એચ૧એન૧ કેસ સાથે કામ કરતા આરોગ્યસંભાળ કાર્યકરોની રસીકરણની ખાતરી કરવા માટે કહેવામાં આવ્યું છે.

ભારતમાં, ઝારખંડ જેવા કેટલાક રાજ્યોમાં બર્ડ ફલૂ ફાટી નીકળ્યાના અહેવાલો છે. રાજ્યની રાજધાની રાંચીમાં, પ્રાદેશિક પોલ્ટ્રી ફાર્મના બે ડોકટરો અને છ સ્ટાફને અલગ રાખવામાં આવ્યા છે. નિવારક પગલાં તરીકે, અંદાજે ૧,૭૪૫ ચિકન, ૪૫૦ બતક અને ૧,૬૯૭ ઈંડાનો સાવચેતીના પગલા તરીકે નિકાલ કરવામાં આવ્યો છે.

હાઇલી પેથોજેનિક એશિયન એવિયન ઈન્ફલ્યુએન્ઝા- જેને એએચ૧એન૧ વાયરસ કહેવાય છે – મુખ્યત્વે પક્ષીઓને ચેપ લગાડે છે પરંતુ તે મનુષ્યોમાં પણ સંક્રમિત થઈ શકે છે. ચેપગ્રસ્ત પક્ષીઓ અથવા દૂષિત વાતાવરણ સાથે નજીકનો સંપર્ક એ પ્રસારણનું મુખ્ય માધ્યમ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા અનુસાર, યુએસએના વિવિધ રાજ્યોમાં પશુઓ અને દૂધમાં એવિયન ઈન્ફલ્યુએન્ઝા વાયરસ જોવા મળ્યાના અહેવાલો છે.આ પછી, વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે રવિવારે આરોગ્ય સેવાઓના મહાનિર્દેશકની અધ્યક્ષતામાં એક વિડિયો કોન્ફરન્સ યોજવામાં આવી હતી. આ કોન્ફરન્સ મહારાષ્ટ્ર રાજ્ય સરકારના અધિકારીઓ સાથે હતી.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન એ જણાવ્યું હતું કે, ૨૦૦૭ થી એએચ૧એન૧ વાયરસના માનવ-થી-માનવ ટ્રાન્સમિશનના કોઈ અહેવાલ નથી. વાયરસથી દૂષિત દૂધ પીવાથી મનુષ્યો માટેના જોખમને સમજવા માટે તપાસ ચાલુ છે. અધિકારીઓએ માત્ર પાશ્ર્ચરાઇઝ્ડ દૂધના વપરાશની ભારપૂર્વક સલાહ આપી છે.સ્વાસ્થ્ય મંત્રાલયે તેની એડવાઈઝરીમાં કહ્યું છે કે, દૂધને ઉકાળવા અને માંસને યોગ્ય રીતે રાંધવા જેવી પ્રેક્ટિસ માનવમાં વાયરસના સંક્રમણને રોકવામાં મદદ કરશે.

બીજી બાજુ, મોસમી ફલૂના કેસ સાથે કામ કરવા માટે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને દર્દીઓનું વર્ગીકરણ, સારવાર પ્રોટોકોલ અને વેન્ટિલેટરી મેનેજમેન્ટ પરની પ્રક્રિયાઓ પ્રદાન કરવામાં આવી છે.એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય ઇન્ટિગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોગ્રામ નેટવર્ક દ્વારા વિવિધ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં મોસમી ઈન્ફલ્યુએન્ઝાની સ્થિતિ પર રિયલ-ટાઇમ આધારે નજર રાખી રહ્યું છે. જ્યારે મોસમી ઈન્ફલ્યુએન્ઝા વાઈરસને કારણે થતો તીવ્ર શ્ર્વસન ચેપ છે; ઈન્ફલ્યુએન્ઝા એ અથવા એચ૧એન૧ નો પ્રથમ કેસ ૨૦૦૯ માં મળી આવ્યો હતો.દર વર્ષે, ભારતમાં મોસમી ઈન્ફલ્યુએન્ઝાના બે શિખરો જોવા મળે છે: એક જાન્યુઆરીથી માર્ચ સુધી અને બીજું ચોમાસા પછીની ૠતુમાં. અધિકારીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં દેશના કોઈપણ ભાગમાં મોસમી લૂના કેસોમાં કોઈ અસામાન્ય ચિંતાજનક વધારો થયો નથી.